નાનપુરા બહુમાળી ભવનના સી બ્લોકના ૬ અને ૭મા માળે કાર્યરત ઉધના અને અઠવા સબ-રજીસ્ટ્રાર કચેરીઓને નાગરિકોની સુગમતા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરાઈ
વર્ષે ૩૨ હજારથી વધુ દસ્તાવેજોની નોંધણી માટે આવતા નાગરિકોને ફાયદો થશે: ગૃહરાજ્યમંત્રી
સુરતઃગુરૂવારઃ સુરત શહેરના બહુમાળી ભવનના સી બ્લોકના છઠ્ઠા અને સાતમાં માળે આવેલી સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત સીટી-૧ (અઠવા) અને સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત-૨ (ઉધના) કચેરીઓમાં આવતા સિનિયર સિટિઝન્સ અને દિવ્યાંગ નાગરિકોની મુશ્કેલીઓને ધ્યાને લઈ આ કચેરીઓને સી-બ્લોક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરવામાં આવી છે. જેને આજ રોજ મહેસુલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પ્રજાની સેવા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને જિલ્લા કલેક્ટર આયુષ ઓક ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખીને લોકોની સગવડતા માટે આ સબ-રજીસ્ટ્રાર કચેરીઓનું ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં જે તે વિસ્તારમાં રહેતા લોકોની સુગમતા માટે જુદી જુદી જગ્યાએ આઠ કચેરીઓનુ સ્થાળંતર કરવામાં આવશે. લોકો માટે લોકો દ્વારા ચાલતી સરકારે નાગરિકોની મુશ્કેલીઓને ધ્યાને લઈને નિર્ણયો લઈ રહી છે. જેની અનૂભુતિ પ્રજાજનોને થઈ રહી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ અવસરે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બહુમાળીના સી-બ્લોકના છઠા અને સાતમા માળે આવેલી ઉધના અને અઠવા સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દર વર્ષે ૩૨,૦૦૦ થી વધુ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે. દરરોજ છઠા અને સાતમા માળે દસ્તાવેજોની નોંધણી માટે સિનિયર સિટીઝનો અને દિવ્યાંગો તથા અન્ય નાગરિકોની મુશ્કેલીઓને ધ્યાને લઈને આ સબ-રજીસ્ટ્રાર કચેરીઓને ગ્રાઉન્ડ ફલોર પર સ્થળાંતરીત કરવામાં આવી છે.
વધુમાં તેમણે કહ્યું કે, મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતાની સાથે પહેલી બેઠકમાં આ તમામ કચેરીઓનો રિવ્યૂ કલેક્ટર સાથે કરીને સબ-રજીસ્ટ્રાર કચેરીને તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાયો હતો. જેનો અમલ કરીને માત્ર સો કલાકમાં જ સબ-રજીસ્ટ્રાર કચેરીને સ્થળાંતર કરીને લોકોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતુ.
આ પ્રસંગે સિટી પ્રાંત અને નાયબ કલેક્ટર જી.વી. મિયાણી, સ્ટેમ્પ ડ્યૂટી વિભાગના નાયબ ક્લેક્ટરશ્રી રાજેશ ભોગાયતા, કતારગામ મામલતદારશ્રી આર એસ. હુણ, મદદનીશ નોંધણી સહ નિરીક્ષક સંદિપ સવાણી ઉપસ્થિત રહ્યા હતા.