સુરત

ચેમ્બર દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનનો ઐતિહાસિક શુભારંભ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION CENTER ખાતે તા. ૯ થી ૧૧ જૂન ર૦રર દરમ્યાન ત્રણ દિવસ માટે ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનનો ઐતિહાસિક શુભારંભ થયો છે. જેમાં ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા પોતપોતાની ફેશનેબલ પ્રોડકટ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસથી જ સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો/એકઝીબીટર્સોને સ્થાનિક બાયર્સનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહયો છે. પહેલા દિવસે ૪૩ર જેટલા જેન્યુન બાયર્સે એકઝીબીશનની મુલાકાત લીધી હતી.

એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૯ જૂન, ર૦રર ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જ્યોર્જિયા ગવર્નર ઓફિસમાંથી પધારેલા ફિલ્ડ રિપ્રેઝેન્ટેટીવ સેબાસ્ટીયન બેરોના હસ્તે ઉદ્‌ઘાટન કરી પ્રદર્શનને ખૂલ્લું મુકાયું હતું. આ સમારોહમાં એટલાન્ટા સ્થિત ભારતીય કોન્સુલ જનરલ ડો. સ્વાતિબેન કુલકર્ણી, એટલાન્ટા સ્થિત ભારતીય કોન્સ્યુલેટ મદન કુમાર, જીટીટીએફ ઇન્ટરનેશનલ કમિટીના ચેરમેન બોબીભાઇ પટેલ, હોલીડે ઇનના ઓનર અને ડાયરેકટર પોલભાઇ પટેલ, ઓકટેવિયા એકસપોઝીયમ એલએલપીના સીઇઓ સંદીપ પટેલ, યુએસએના ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના જોઇન્ટ ડાયરેકટર સુશ્મીતા દાસ, યુએસએના એટલાન્ટા સ્થિત ઇન્ડિયન કોન્સ્યુલેટ સાથેના પાસપોર્ટ ઓફિસર દેવેન્દર સિંઘ, યુએસએના ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન્સના પ્રેસિડેન્ટ વાસુભાઇ પટેલ, ડાયરેકટર રિસોર્સ ગૃપના સીઇઓ ડેવિડ ગોલ્ટ, એટલાન્ટા સિટી ઓફ પીસના ફાઉન્ડર પ્રેસિડેન્ટ એન્ડ સીઇઓ જોહન નોગલે વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

મુખ્ય અતિથિ સેબાસ્ટીયન બેરોનાએ સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, એટલાન્ટા શહેરને ટેકસટાઇલ ક્ષેત્રે આગળ લઇ જવા માટે ચેમ્બર દ્વારા આયોજિત આ પ્રદર્શન ખૂબ જ મદદરૂપ બની રહેશે. ભવિષ્યમાં પણ મોટા પાયા ઉપર જ્યારે ચેમ્બર દ્વારા આવું પ્રદર્શન યોજાશે ત્યારે તેમની ગવર્નર ઓફિસ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહેશે. કારણ કે, ચેમ્બર ઘણા વર્ષોથી યુએસએ ખાતે એકઝીબીશન કરવાનું વિચારી રહી હતી પણ આ વર્ષે આ વિચારને સાર્થક કરવામાં સફળતા મળી છે. યુએસએ સમગ્ર વિશ્વમાં કાપડનો સૌથી મોટો ઉપભોક્તા છે. સાથે જ વિશ્વમાં ટેકસટાઇલ આર્ટિકલનો સૌથી મોટો આયાતકાર પણ છે. કમનસીબે, ભારતીયો યુએસએમાં ટેકસટાઇલ ઉત્પાદનોની આ વિશાળ માંગને કેપીટલાઇઝ કરી શકયા ન હતા.

યુએસએ સમગ્ર વિશ્વમાં ભારતનું નં. ૧ ટ્રેડિંગ પાર્ટનર છે અને તેની સાથે ૧૧૯ બિલિયન યુએસ ડોલરનો વાર્ષિક ટ્રેડ પણ કરીએ છીએ. જેમાં મુખ્યત્વે હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ચામડાની વસ્તુઓનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ, યુએસએનું એપરલ માર્કેટ લગભગ ૩૧૮ બિલિયન યુએસ ડોલરનું મૂલ્ય ધરાવે છે, જેમાંથી આયાતનો હિસ્સો લગભગ ૩પ% છે. જ્યારે યુએસએની ટેકસટાઇલ આયાત બાસ્કેટમાં એકલા ચીનનો બજારહિસ્સો ૪૧ % છે. કાપડમાં એમએમએફ અને કપાસની આયાતનો રેશિયો લગભગ પ૮% છે, જે સૂચવે છે કે સુરત સ્થિત ઉદ્યોગ માટે યુએસએમાં ખરીદદારો શોધવાનો વિશાળ અવકાશ છે. તેમણે સુરતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની સ્ટ્રેન્થ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રદર્શનની પહેલા દિવસે જ મોટી સંખ્યામાં બાયર્સ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ફેબ્રિક, ગ્રે, બ્લીચ ફેબ્રિક, સોફાના ફેબ્રિક, ટુવાલના ફેબ્રિક, નીટેેડ ગારમેન્ટ અને અન્ય ફેબ્રિકની જબરજસ્ત ડિમાન્ડ જોવા મળી હતી. બાયર્સ ભારતમાંથી ગારમેન્ટ ખરીદવાની તેમજ સુરતમાંથી લીનન, ડેનીમ તથા અન્ય ફેબ્રિક ખરીદવા માટે રસ દાખવ્યો હતો. તેમણે ચેમ્બર દ્વારા યોજાયેલા આ એકઝીબીશનને ભારત સરકારના ટેકસટાઇલ મંત્રાલયનો લોગો સપોર્ટ તથા દેશના કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રીય ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો સંપૂર્ણ સહયોગ મળવા બદલ મંત્રીઓનો આભાર પણ વ્યકત કર્યો હતો.

‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે, એકઝીબીશનમાં ૪ર જેટલા ટેકસટાઇલ ઉદ્યોગકારોએ પોતપોતાના સ્ટોલ લગાવ્યા છે. જ્યાં તેમના દ્વારા હોમ ટેકસટાઇલ, પોલિએસ્ટર, વિસ્કોસ, કોટન, બ્લેન્ડેડ ફેબ્રિકસ, મહિલાઓ માટે ઇન્ડિયન એથનીક વેર, કુર્તી–કુર્તા, મેડીકલ ટેકસટાઇલ, એપરલ એન્ડ ગારમેન્ટ, હેન્ડીક્રાફટનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. આ પ્રદર્શનમાં ૯૦ ટકા એકઝીબીટર્સ એવા ટેકસટાઇલ મેન્યુફેકચરર્સને બાયર્સનો સીધો લાભ મળી રહયો છે. દસથી પંદર બાયર્સ દરેક એકઝીબીટર્સને મળી રહયા છે.

ડાયરેકટર રિસોર્સ ગૃપના સીઇઓ ડેવિડ ગોલ્ટે જણાવ્યું હતું કે, ટેકસટાઇલ પ્રોડકટ માટે ચાઇના રપ ટકા ડયૂટી ચાર્જ કરે છે. આથી ભારતને બિઝનેસ મળવાનો ખૂબ જ મોટો અવકાશ આ પ્રદર્શન થકી જોવા મળ્યો છે. સુરતના ઉદ્યોગકારોની પ્રોડકટ યુએસએના બાયર્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. આથી તેઓ પોતે તથા અન્ય કેટલાક બાયર્સ સુરતની મુલાકાતે આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

જીટીટીએફ ઇન્ટરનેશનલ કમિટીના ચેરમેન બોબીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ચેમ્બરના પ્રદર્શનમાં ઇન્ડિયન કોમોડિટીના ટેકસટાઇલ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તથા ડિઝાઇનરોનો સારો પ્રતિસાદ મળી રહયો છે. વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ભવિષ્યમાં ફરીથી આવું પ્રદર્શન યુએસએ ખાતે યોજાશે તો તેમાં એટલાન્ટા સ્થિત ગુજરાતી સમાજ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.

ધર્મેશ દેસાઇએ જણાવ્યું હતું કે, મોટેલ્સમાં બાથ રોબ્સ એન્ડ બાથ રબ્સ, પીલો કવર, બેડશીટ, કર્ટન્સ એન્ડ બાથ કર્ટન્સ, હોમ ફર્નીશિંગ, ટેબલ કલોથ એન્ડ કીચન કલોથની ખૂબ જ માંગ છે. આથી આ પ્રદર્શનમાં બાયર્સની માંગ પૂર્ણ કરવા માટે સીધા ઓર્ડર એકઝીબીટર્સને મળી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧૬ જૂન, ર૦રર ના રોજ ન્યુ જર્સી ખાતે બીટુબી અને બીટુસી તથા તા. ૧૯ જૂન, ર૦રર ના રોજ કેલીફોર્નિયા ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button