ચેમ્બરની રજૂઆતને પગલે ગુજરાતના રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રીએ ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯ ની કલેઇમ મોડયુલ ચાલુ કરાવી
ઉદ્યોગ એકઝીબીશનના ઉદ્ઘાટન માટે પધારેલા ઉદ્યોગ મંત્રીને ચેમ્બરે રજૂઆત કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ઉદ્યોગ મંત્રીએ ગાંધીનગર ખાતે મિટીંગ બોલાવી હતી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત તા. ૮ થી ૧૧ એપ્રિલ, ર૦રર ના રોજ સરસાણા ખાતે યોજાયેલા ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦રર’ પ્રદર્શનનું ગુજરાતના રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ)ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે સમય દરમ્યાન ચેમ્બર દ્વારા તેમની સમક્ષ ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯ ની કલેઇમ મોડયુલ ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ બીજા દિવસે ઉદ્યોગ મંત્રીએ ગાંધીનગર ખાતે મિટીંગ બોલાવી હતી. ઉદ્યોગ મંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી આ મિટીંગમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એન્વાયરમેન્ટ / પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન કુન્હાલ શાહ અને ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંત શાહ, ઉપપ્રમુખ પથિક પટવારી, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ નટુભાઇ પટેલ અને અન્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.
ઉપરોકત મિટીંગમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ મંત્રી સમક્ષ જુદી–જુદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯ ની કલેઇમ મોડયુલ ચાલુ કરવાની રજૂઆતનો પણ સમાવેશ થાય છે. ચાલુ મિટીંગમાં જ ઉદ્યોગ મંત્રીએ સંબંધિત વિભાગને આ અંગેની તપાસ કરીને રિપોર્ટ કરવા માટેની સૂચના આપી દીધી હતી. અંતે ચેમ્બરની રજૂઆતને પગલે ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯ ની કલેઇમ મોડયુલ ચાલુ થઇ ગઇ છે. હવે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો તેનો લાભ લઇ શકશે. આથી ચેમ્બર દ્વારા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)નો આભાર પણ માનવામાં આવે છે.