સુરત

પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૧૩૩ દીકરીઓના ૨૦-૨૧ ડિસેમ્બરે યોજાશે ભવ્ય ‘કોયલડી’ સમૂહલગ્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત

સુરત: સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. આગામી તા.૨૧-૨૨ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે કોયલડી’ થીમ સાથે પિતાવિહોણી ૧૩૩ દીકરીઓના સમૂહલગ્ન યોજાશે.

છેલ્લા ૧૮ વર્ષથી પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી કુલ ૫૫૩૯ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા ૧૮ વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે, ત્યારે ૨૦ અને ૨૧ ડિસે. એમ બે દિવસમાં ૧૩૩ દીકરીઓ ‘કોયલડી’ બનીને શ્વસુરગૃહે જશે.

મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય બાબતોના રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે. ૧૬ પદ્મશ્રી વિજેતા મહાનુભાવો, સંતોમહંતો પણ પધારશે અને નવદંપતિને આશીર્વાદ આપશે. .

૨૦મીએ પ્રથમ દિવસે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે દીપપ્રાગટ્ય સાથે બે દિવસીય લગ્નોત્સવનો શુભારંભ થશે. ૨૧ ડિસેમ્બરે જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાને પોતાના સ્વજનના અંગદાનની મંજૂરી આપનાર અંગદાતા પરિવારની મા, દીકરી, બહેન, પત્નીના હસ્તે દીપપ્રાગટ્ય થશે. સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થશે.

૨૦ અને ૨૧મીએ સાંજે ૫.૦૦ વાગ્યે અબ્રામા ખાતે ‘પિયરીયું’ના નામે યોજાનાર લગ્નોત્સવ સંદર્ભે પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતજાતના ભેદ વિના માત્ર લગ્ન નહીં, પણ સમાજસેવાની ભાવના સાથે અંગદાન મહાદાનના સંદેશ સાથે સમાજને પ્રેરિત કરાશે. ‘વિવાહ પાંચ ફેરાના’થી શરૂ કરીને આ વર્ષ “કોયલડી” નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહવિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામજ્ઞા તિની દીકરીઓ પોત-પોતાના રીત-રસમો સાથે લગ્નજીવનના પવિત્ર બંધનથી જોડાશે. સવાણી પરિવારના મિતુલ, મોહિત, સ્નેહ, કુંજ, મોનાર્ક જે દીકરીઓના ભાઈઓ નથી તેમને પોતાની સગી બહેનથી વિશેષ સમજી જવતલ હોમશે.

પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ, તેમના હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન ૧૩૩ કન્યા પૈકી ૯૦% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ ૩૭ જ્ઞાતિની ૪ રાજ્ય અને ૧૭ જિલ્લાની ૧૩૩ દીકરીને સાસરે વળાવીશું. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ.

લેખક, વિચારક શૈલેષભાઈ સગપરિયા લિખિત શ્રી વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પરના પુસ્તક ‘આરોહણ’ અને મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર ડો.જિતેન્દ્ર અઢિયાએ લખેલા ‘પુસ્તક પ્રેરણામૂર્તિ અને લગ્ન થયેલી પિતાવિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક ‘કોયલડી’ નું વિમોચન થશે.

દીકરીઓને આજીવન સહયોગ માટે “સેવા સંગઠન”ની એપ બનાવી: એપનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે

ઈશ્વર નહી કરે ને પિતાવિહોણી કોઈ દીકરી લગ્ન બાદ ગંગાસ્વરૂપ થાય તો આ સેવા સંગઠન આર્થિક સહાય કરે છે. સાથે જ એના બાળકના શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે. આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે. પી. પી. સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે ૧૧,૦૦૦ દીકરી–જમાઈઓનો વિશાળ પરિવાર બની ગયો છે. જેને ડિજીટલ સ્વરૂપ આપી સેવા સંગઠન મોબાઈલ એપ બનાવી છે. જમાઈઓની ડોક્ટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ, માર્ગદર્શન ટીમની માહિતી અને મદદ મળશે. સેવા સંગઠનના સભ્યો તમામ કાર્યક્રમોની અપડેટ્સ, એપ વડે નિયમિત રીતે મળી રહેશે. આ એપ્લીકેશનનું લોન્ચિંગ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે.

પરિવાર ભાવના ખીલે એ માટે દીકરીઓ અને માતાને પ્રવાસ યાત્રા

લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા-જમાઈઓને કુલુ મનાલી અને માતા એટલે કે બંને વેવાણને સાથે આ વર્ષે આયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે. મુસ્લિમ દીકરી જમાઈ ૧૫ દીવસની ઉમરાહ (મકા-મદીના) હજ માટે જશે. પી.પી. સવાણી પરિવાર પ્રવાસ આયોજન-ખર્ચ ઉપાડશે. આ કાર્યમાં ફારુકભાઈ પટેલનું કે.પી. ગ્રુપ પણ સહયોગી બન્યું છે.

લગ્ન પહેલા થેલેસિમિયા ટેસ્ટ ફરજિયાત

દંપતિની કુંડળી કરતાં પણ જરૂરી છે કે એમના લોહી મળે. થેલેસેમિયા અને સિકલ સેલ ધરાવતા દંપતિના લગ્ન થાય તો એમના સંતાનને પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા રહે છે. આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતિનું જીવન સ્વસ્થ રહે એ માટે લગ્ન કરનાર દરેક દંપતિના થેલેસિમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે. આ તપાસ પછી જ કરિયાવર આપીને લગ્નની શરૂઆત થઈ હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button