ચેમ્બરના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય જળશક્તિ મંત્રીને સમગ્ર મેનમેઇડ ફાઇબર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને ૫%ના એકસરખા જીએસટી દર હેઠળ લાવવાની વિનંતિ સાથે રજૂઆત કરી
સી. આર. પાટીલે ચેમ્બરની રજૂઆત કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલાબેન સીતારમણ તેમજ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જે. પી. નડ્ડા સુધી પહોંચાડવાની ખાત્રી આપી

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ અશોક જીરાવાલાની આગેવાનીમાં ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી, ગૃપ ચેરમેન સુરેશ પટેલ, ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઈ અને નાયલોન સ્પીનર્સ એસોસિએશનના આગેવાનો સાથેના પ્રતિનિધિ મંડળે તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સુરત ખાતે ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાથે બેઠક યોજી હતી.
ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા વિવિધ રસાયણો જેવા કે પેરા ઝાઇલિન, કેપ્રોલેક્ટમ, એમઈજી, પીટીએથી લઈને કાપડ સુધીના સમગ્ર મેનમેઇડ ફાઇબર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને ૫%ના એકસરખા જીએસટી દર હેઠળ લાવવાની વિનંતિ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં એમએમએફ યાર્ન પરનો દર ૧૨%માંથી ઘટાડીને ૫% કરવામાં આવતા યાર્ન મેન્યુફેક્ચરિંગ સ્ટેજ પર ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર વધુ ગંભીર બની છે, જેના કારણે ઇનપુટ ક્રેડિટનો વિશાળ અવરોધ સર્જાશે. આ ઇન્વર્ઝનને કારણે એમએમએફ સ્પીનર્સ તેમના પ્રોજેકટ દરમિયાન મૂડી સામાન પરની ઇનપુટ ક્રેડિટનો ઉપયોગ કરી શકશે નહીં. કારણ કે, આ ક્ષેત્ર આગામી ૩થી ૪ વર્ષમાં રૂપિયા ૨૪,૦૦૦ કરોડ સુધીના રોકાણની અપેક્ષા રાખી રહ્યું છે, મૂડી સામાન પર આ ઇનપુટ ક્રેડિટનો મોટો અવરોધ તેમની સ્પર્ધાત્મકતા ગુમાવશે અને અંતે તેઓ આગળની વેલ્યુ ચેઇનના ઘટકો પર ખર્ચનો ભાર મૂકવા માટે મજબૂર થશે.
ચેમ્બરના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલને ચેમ્બર તરફથી આ રજૂઆત નાણાં પ્રધાન નિર્મલાબેન સીતારમણ તેમજ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જે.પી. નડ્ડા સુધી પહોંચાડવા માટે વિનંતિ કરી હતી.
ચેમ્બરના ઉપ પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સી. આર. પાટીલે ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆત ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી અને સંબંધિત વિભાગોને આ રજૂઆત પહોંચાડવાની ખાત્રી આપી હતી.