શ્રી રામ વિહાર વેસુ તપાગચ્છ જૈન સંઘ. શાંતા પ્રભા કમળાબા આરાઘના ભવન. વેસુ ખાતે શ્રી વીર જન્મ વાંચનની ભવ્ય ઉજવણી થઈ
સત્કાર્યોમાં સંપત્તિ વાપરવાથી ધનભંડાર ક્યારે ખાલી થતાં નથી -આચાર્ય શીલરત્નસૂરીશ્વરજી મહારાજ

શ્રી રામ વિહાર વેસુ તપાગચ્છ જૈન સંઘ માં આચાર્ય શીલરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વીજીની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે કરૂણામૂર્તિ પરમાત્મા મહાવીર સ્વામીજીને જન્મ ઉજવણી ઉલ્લાસભેર થઈ હતી. માતા ત્રિશલા દેવીને આવેલ ચૌદ સ્વપ્નના દર્શન કરવા સેંકડો ભાઈ બહેનો પધાર્યા હતાં. લાભાર્થી પરિવારે મોટી રકમની ઉછામણી બોલીને રજતના પારણીયામાં પ્રભુને હર્ષભેર ઝુલાવ્યાં હતાં. “ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી” નારાથી પ્રવચન મંડપ ગુંજી ઉઠ્યો હતો.
શીલરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબએ જણાવ્યું કે, સિદ્ધાર્થ રાજાના રાજમહેલમાં પ્રભુ વર્ધમાનનો જન્મ થયો તેટલા માત્રથી આપણું કલ્યાણ નથી. પરંતુ આપણા હૃદય મંદિરમાં પ્રભુ નો જન્મ થાય તો જ આપનું કલ્યાણ થશે. કઠોર જમીનમાં પુષ્પો ઉગતાં નથી. તેમ કઠોર હૃદયમાં પ્રભુ પધારતાં નથી. તુચ્છ હૃદય, દરિદ્ર હૃદય અને કૃપણ હૃદયમાં પ્રભુ આવતાં જ નથી. આવે તો ટકતાં નથી.
ખેડૂત ધરતીમાં હજાર દાણા વાવે છે. તો ધરતી લાખો દાણા આપે છે. આપવાથી કયારે ય ખુટતું નથી. કુવામાંથી પાણી નીકાળીએ તરત નવું પાણી આવી જાય. ગાયને દોહવાથી નવું દૂધ આવી જાય છે. તેમ સત્કાર્યોમાં સંપત્તિ વાપરવાથી ધનભંડાર ક્યારે ય ખાલી રહેતા નથી. વિશ્વમાં સ્ટેચ્યુ સંગ્રહખોરના નહિ પણ ઉદાર વ્યક્તિઓના હોય છે.
ગર્ભકાળ દરમ્યાન વર્ધમાન કુમાર માતાને પીડા ન થાય માટે સ્થિર થઈને જગતને સંદેશ આપ્યો કે, માતાપિતાની સેવા ભગવાન ભગવતીની જેમ કરજો. તેમની સેવા કરવી એ મોટું મંગલ છે. જન્મ વાંચન કરતાં પૂર્વે પૂજયશ્રીએ જણાવ્યું કે, શ્રીફળ વધેરવા પાછળ મોટું સાયન્સ છે.
દરેકે સંકલ્પ કરવાનો છે. રાષ્ટ્ર, સંસ્કૃતિ, ધર્મ ઉપર આવતા આક્રમણોને હટાવવા અમે સદા તત્પર રહીશું. તન, મન, ધનથી સહકાર આપીશું. જિનશાસન રક્ષા પ્રસંગે શ્રીફળની જેમ મસ્તક ફોડતાં પણ અચકાઈશું નહિ.