એલ.પી. સવાણી એકેડેમીએ વર્લ્ડ આર્ટ ડેની ઉજવણી આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટિસ્ટ શ્રી બાબુ એડાકુન્ની સાથે ઉજવી

સુરતઃ એલ.પી. સવાણી એકેડેમી ખાતે વર્લ્ડ આર્ટ ડે ની ઊજવણી ઉત્સાહભેર અને સર્જનાત્મકતાથી કરવામાં આવી, જેમાં ખાસ સન્માન પામેલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સેન્ડ આર્ટિસ્ટ શ્રી બાબુ એડાકુન્ની મુખ્ય આકર્ષણ રહ્યાં. રેતી કળામાં તેમની અદભુત કુશળતા અને વૈશ્વિક ઓળખને ધ્યાનમાં રાખી, તેમણે ધોરણ 9 થી 11ના વિધ્યાર્થીઓ માટે એક ઉત્સાહજનક વર્કશોપનું આયોજન કર્યું હતું.
આ ઇન્ટરએક્ટિવ સેશન દરમિયાન શ્રી એડાકુન્નીએ સેન્ડ આર્ટ દ્વારા વિદ્યાર્થીઓને વાર્તા કહેવાની પદ્ધતિ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ વિશે માહિતગાર બનાવ્યા. વિદ્યાર્થીઓએ જીવંત રેતી કલા અનુભવી અને પોતાનો કળાત્મક અભિગમ વિકસાવવાનો પ્રેરણાદાયી અનુભવ મેળવ્યો.
કાર્યક્રમમાં એલ પી સવાણી એકેડમીના પ્રિન્સીપલ શ્રીમતી મૌતોષી શર્મા પણ ઉપસ્થિત રહ્યા, જેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં વર્લ્ડ આર્ટ ડેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે સમજાવ્યું કે કલા કેવી રીતે સર્જનાત્મકતા, નવીનતા અને વિવિધ કળાત્મક પરંપરાઓ માટે ગહન માનવતાવાદી ભાવ વિકસાવે છે.
આ ઉજવણી વિદ્યાર્થીઓ માટે એક યાદગાર ક્ષણ બની રહી, જેમાં કળાને જીવંત બનાવવાનો અને અભિવ્યક્તિના શક્તિશાળી માધ્યમ તરીકે કલા પ્રત્યે સન્માન વિકસાવવાનો હેતુ સફળ રહ્યો.