સુરત મનપાની વોર્ડ નં.૧૮ની પેટા ચૂંટણી: મતદારોમાં ઉત્સાહ, લોકશાહીના પર્વમાં સક્રિય સહભાગિતા
ઉમરપાડા તાલુકા પંચાયતની ૪-ઘાણાવડ બેઠકની પેટાચૂંટણીમાં ૭૪.૦૮ ટકા મતદાન

સુરત : રાજ્ય ચૂંટણી પંચ-ગાંધીનગરના નેજા હેઠળ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ (લિંબાયત-પરવટ-કુંભારીયા) ની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. સવારના ૭.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમાં ૨૮.૬૭ મતદાન નોંધાયું હતું. જેમાં ૧૭૨૫૭ પુરૂષ તેમજ ૧૩,૨૨૮ મહિલા મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પર્વમાં સક્રિય સહભાગિતા દર્શાવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુનિશ્ચિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરાયું હતું. વોર્ડ નં.૧૮ના ચૂંટણી અધિકારી ડી.ડી. શાહની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ સંપન્ન થઇ હતી. મતદાન મથકો પર EVM અને VVPAT મશીનો સાથે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયત મતદાર વિભાગની ૪-ઘાણાવડ(અનુસુચિત આદિજાતિ સ્ત્રી) પેટા ચુંટણીમાં ૭૪.૦૮ ટકાનું માતબર મતદાન નોંધાયું હતું. જેમાં ૧૪૫૨ પુરૂષ તેમજ ૧૪૩૭ મહિલા મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ૪-ઘાણાવડ બેઠકના ચૂંટણી અધિકારી આર.કે.ચૌધરીના આયોજન અને દેખરેખ હેઠળ સંલગ્ન તંત્રએ ચૂંટણી પાર પાડી હતી.