સુરત

પીપી સવાણી પરિવારના આંગણેથી પિતા વિનાની દીકરીઓની લાગણીસભર વિદાય

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને મોરારીબાપુ સહિતના મહાનુભાવોના આશીર્વાદ સાથે દીકરીઓને પિતાનો સાથ અને પતિનો હાથ મળ્યો

સુરત : પીપી સવાણી ગ્રુપ દ્વારા આજે ‘પિયરીયું’ નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં દીકરીઓએ  મહાનુભાવોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ ૫૨૭૫ દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે શનિવારની સાંજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સાકરના મંત્રીશ્રી મુળુભાઈ બેરા, હર્ષભાઈ સંઘવી, પ્રફુલ્લભાઇ પાનસેરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જનકભાઈ તળાવીયા, મેયર દક્ષેશ માવાણી જેવા રાજકીય મહાનુભાવોની સાથે સંતો પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય સત સ્વામી, પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ, પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય સંતોષનાથ બાપુ, પૂજ્ય ગીરી બાપુ, પૂજ્ય પીપી સ્વામી જેવા સંતની સાથે આઇમા પૂજ્ય દેવળમા પૂજ્ય દિપાલી દીદી, પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા.

સ્વાગત પ્રવચન મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે નિભાવું છું. મારી દીકરીને કરિયાવરમાં હું બાપ તરીકેની જવાબદારી આપું છું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનમાં સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા ૧૩ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૫૨૭૪ દીકરીના પિતા બની ગયા છે. વર્ષ ૨૦૧૧ થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે, અન્યએ કમાયેલું ખાવું એ વિકૃતિ છે, પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ અર્જિત કરેલી સદ્દસંપત્તિને સામાજિક સેવા તેમજ પિતાવિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવાની આગવી સંસ્કૃતિ એ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરી છે.

પિતાવિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતી થાય છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા ૧૩ વર્ષમાં લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે, પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારીબાપુ જણાવ્યું હતું કે, મહેશભાઈ એ કાસ્ટને નહિ પણ રાષ્ટ્રને મહત્વ્ય આપ્યું છે. એટલે જ દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરી એમના આંગણેથી પરણી છે. બાપ તરીકે દીકરીની દેખભાળ રાખી તેમનાં સંતાનની અને એમના શિક્ષણ, આરોગ્યની સંભાળ છે એ મારા માટે સુખદ આશ્ચર્ય થયું છે. નવદંપતીને સમ્પન્ન અને પ્રસન્ન રહેવાના આશીર્વાદ આપ્યા હતા. એમને જણાવ્યું હતું કે આપણે ત્યાં ચાર ફેરાની પરંપરા છે એમાં સત્ય-પ્રેમ-કરુણા ભેળવી દઈએ તો સાત ફેરા થાય.

આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે દરેક મહેમાનોને કુલ ૫૦,૦૦૦ તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડથી લોકોને પ્રેરિત કરાયા હતા. આજે પ્રથમ દિવસે ૫૫ દીકરીઓની વિદાય લીધી હતી. આવતીકાલે રવિવાર ૧૫મી તારીખે બીજી ૫૬ દીકરીઓ વિદાય લેશે.

ત્રણ વિશ્વ રેકોર્ડ નોંધાય

ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિએ હાજર રહીને આજે પિયરીયુંમાં ત્રણ વિશ્વ રેકોર્ડ નોંધાયાની જાહેરાત કરીને રેકોર્ડના સર્ટીફીકેટ પરિવારને સંતોની હાજરીમાં એનાયત કર્યા હતા. પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ત્રણ રેકોર્ડ પૈકી પ્રથમ રેકોર્ડ એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી ૫૨૭૪ દિકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાયા છે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં ૫૦,૦૦૦ તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ બન્યો છે. એ સાથે જ લગ્નસમારોહમાં ૩૭૦ ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ તોરણ તરીકે રેકોર્ડ બુકમાં નોંધાયુ છે.

કન્યા વિદાયે સૌની આંખો ભીંજાઈ

આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button