સુરતઃ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે ગુજરાત સરકારે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવા પહેલ કરી હતી. આ પહેલને જાહેર અભિયાન બનાવીને વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા રાષ્ટ્ર નિર્માણ માટે લોકભાગીદારીથી 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સતત 75 કલાક શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરીને વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યું છે. આ વર્લ્ડ રેકોર્ડમાં વિવિધ સમાજ, ધાર્મિક સંસ્થાઓ, કંપનીઓ વગેરેના પણ સામેલ થશે.
વિશ્વ વિક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને સમાજની વધતી જતી આત્મહત્યાઓની સંખ્યા, વૃદ્ધાશ્રમની સંખ્યા, પુત્ર-પુત્રીઓનું ઘર છોડી ભાગી જવું, માનસિક તણાવ, લવ જેહાદ, માતા-પિતા પ્રત્યેનું નકારાત્મક વલણ વગેરે દૂર કરીને દેશને વિશ્વ ગુરુ બનાવવો.
31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મનોજભાઈ ભીંગારે જી-20, આઝાદી કા અમૃત મહોત્સવ અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર પર આધારિત સતત 15 કલાક પોતાના મોં અને પગથી ડ્રોઈંગ તૈયાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ વર્લ્ડ રેકોર્ડમાં શહેર અને રાજ્યના નામાંકીત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અર્ચના વિદ્યા નિકેતન, ડો.શ્રીનિવાસ મિટકુલ, મનોજ ભીંગારે, અર્પણ વિદ્યા સંકુલના નામે આ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે. અર્ચના વિદ્યા નિકેતનના પ્રમુખ ધીરુભાઈ પરડવા, પ્રિન્સિપાલ ડૉ. રજીતા તુમ્મા, ડાયરેક્ટ ચંદુભાઈ ભાલિયા તેમજ ડૉ. શ્રીનિવાસ મિટકુલ વગેરેના નેજા હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્લ્ડ રેકોર્ડમાં યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડના ડાયરેક્ટર અશ્વિન સુદાણી હાજર રહેશે.