ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજમાં વિરાંજલી કાર્યક્રમ યોજાયો
સ્વામી વિવેકાનંદના જન્મદિવસ યુવા દિવસ નિમિતે વિરાંજલી કાર્યક્રમ નું આયોજન
જૂનાગઢ તા.૧૨ ડો. સુભાષ મહિલા કોલેજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જૂનાગઢ પ્રેરિત માધવ સ્મારક સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મદિવસ યુવા દિવસ નિમિતે વિરાંજલી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય શ્રી બલરામ ચાવડાએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજના દિવસે સમગ્ર ભારતમાં વિરાંજલી કાર્યક્રમ નું આયોજન થયું છે. આજે કરોડો લોકો એકસાથે એક જ સમય વંદે માતરમનું સમુહ ગાન કરશે.
વંદે માતરમ ગીતની પાછળ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની ઘણી જ રોચક વાતો જોડાયેલી છે. આ ગીતની રચના ૧૮૭૬માં બંકિમચંદ્ર દ્વારા થઈ હતી. સૌપ્રથમ વંદેમાતરમ્ ૧૮૯૬ માં ગાવામાં આવ્યું હતું. આ ગીત ૬૫ સેકન્ડમાં ગવાવું જોઈએ. આ તકે મુખ્ય વક્તા ડો. પ્રદ્યુમન ખાચર દ્વારા આરઝી હકૂમતમાં સંતોની ભૂમિકા વિષય પર રસપ્રદ ઐતિહાસિક આધારો સાથે વાત મૂકી હાજર સૌને આરઝી હકુમતનો ઇતિહાસ વર્ણવી જૂનાગઢની સ્વતંત્રતા કેવી રીતે મળી હતી તેની ઝાંખી કરાવી હતી. ડો. સુભાષ મહિલા કોલેજમાં યોજવામાં આવેલ વિરાંજલી કાર્યક્રમ બદલ શ્રી જવાહરભાઈ ચાવડા એ સૈાને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. નરેશ સોલંકી એ કર્યું હતું. તથા આભાર દર્શન પ્રા.ચેતનાબેન ચુડાસમાએ કહ્યું હતું.