બિઝનેસસુરત

ગુજરાતનાં કાપડ ઉદ્યોગ માટે સંજીવની બને તેવી નવી ટેકસટાઈલ પોલીસી ક્યારે જાહેર થશે?

સુરત  ( આશિષ ગુજરાતી ) : ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા શહેર સુરતની ઓળખ ‘સીલ્ક સીટી’ તરીકે દુનિયાભરમાં પ્રસ્થાપિત છે. શહેરની જીવાદોરી સમાન ગણાતા અહિંના કાપડ ઉદ્યોગની હાલત કેટલાક સમયથી ખૂબજ કફોડી થઈ છે. અહિંના ટેક્સટાઈલ ઉદ્યોગની સમગ્ર વેલ્યુ ચેઈન હાલમાં ૫૦થી લઈને ૮૦ ટકા જેટલા જંગી ઉત્પાદન કાપ અને માલના ભરાવા સાથે ભયાનક મંદીનો સામનો કરી રહેલ છે. સુરતની અંદરના ગ્રે કાપડ વણાટ ઉદ્યોગથી લઈને કાપડ પ્રોસેસીંગ, ટ્રેડીંગ તેમજ ઍક્સપોર્ટસ બધો વેપાર ભારે ભીંસ અનુભવી રહ્ના છે. મોટાભાગના સ્થાનિક ઉત્પાદકો લઘુથી લઈને ઍમઍસઍમઈ સેક્ટરનાં છે. ઍક સમયે જેની જાહોજલાલી હતી તેવા ટેક્સટાઈલ ઉદ્યોગની આજની હાલત જાતાં કહી શકાય કે તેને કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી તત્કાળ ધ્યાન આપીને શીઘ્ર જરૂરી પગલાં લેવાની તાતી જરૂર છે. આમાં જેમ વધુ વિલંબ થશે તેમ તેમ આ ઉદ્યોગને વધુ નુકસાન થશે જેની ટૂંકાગાળાની અને દૂરગામી અસરો ઉદ્યોગને મોટુ નુકસાન પહોંચાડશે તેવો જાણકારોનો મત છે.

ભારત સરકારનાં ટેક્સટાઈલ મંત્રાલય અને ટેક્સટાઈલ કમિશ્નરની કચેરીથી લઈને ગુજરાત રાજ્ય સરકાર સમક્ષ સ્થાનિક કાપડ ઉદ્યોગનાં સંગઠનો તેમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે. તેમજ ઘણાં પ્રશ્નોનાં ઉકેલ આવતાં પણ હોય છે. પરંતુ ઉદ્યોગનાં કેટલાક જટિલ પ્રશ્નો તલસ્પર્શી અને ઉંડો અભ્યાસ માંગતા હોય છે, જેની લાંબી ઉપેક્ષા ઉદ્યોગને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદ્યોગ માટેની નીતિ(પોલીસી) પણ તેનાં વિકાસમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. આ પરીબળ ખૂબજ મહત્વનું છે. આજે જ્યારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ભારે મંદી અને ભીંસ અનુભવી રહયો છે ત્યારે સૌને ઈંતજાર છે રાજ્યની ‘નવી ટેક્સટાઈલ પોલીસી’નો, જે સંજીવની બનીને આવે અને ઉદ્યોગને સાજા કરે અને વેગ આપે તેવી વ્યાપક અપેક્ષા છે.

એક સમય હતો જ્યારે ગુજરાતનો કાપડ ઉદ્યોગ દેશમાં મહારાષ્ટ્ર પછીથી બીજા સ્થાને રહેતો હતો અને અન્ય રાજ્યો તેની ઈર્ષા અને અનુકરણ કરતાં હતાં. ગુજરાતના કાપડ ઉદ્યોગનાં વિકાસ મોડલને ધ્યાનમાં રાખીને બીજા રાજ્યો તેમની આગવી જરૂરીયાતને અનુલક્ષીને પોતાના રાજ્યમાં કાર્યરત ઉદ્યોગનાં ઉત્થાન માટે ‘ટેકસટાઈલ પોલીસી’ ઘડવા લાગ્યા હતાં અને તેના સારા પરિણામો મેળવ્યા પણ છે તે સર્વવિદીત છે. આમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર, રાજસ્થાન, અોરિસ્સા, પશ્ચિમ બંગાળ, પંજાબ તેમજ કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલી તથા દમણ વિ.નો સમાવેશ કરી શકાય.

આજનો યક્ષ પ્રશ્ન ઍ છે કે એક સમયે જે રાજ્યો ગુજરાતનાં કાપડ ઉદ્યોગની ઉંચાઈને લક્ષ્ય બનાવીને ચાલતા હતાં અને ત્યાંની રાજ્ય સરકારોની ઉદ્યોગ મિત્ર અને સહાયક એવી નીતિનાં સથવારે આગળ વધવા સંકલ્પકૃત હતાં તે આજે ખાસ્સી પ્રગતિ કરી ચૂક્યા છે. જ્યારે ગુજરાતનો કાપડ ઉદ્યોગ ક્મશઃ પોતાની ઉંચાઈ અને ચમક ગુમાવતો ગયો છે અને સમસ્યાગ્રસ્ત થયો છે જેનાં ખરા કારણો શોધવા એ સમયની માંગ અને સૌના હીતમાં છે.

સુરતનાં કાપડ ઉદ્યોગની ચર્ચા કરીઍ તો આજની પરિસ્થિતિ અને ઘણી સમસ્યાના મૂળ અહિંની ગુજરાત રાજ્ય સરકારની પોલીસી અને કેટલીક ઉદાસીનતામાં છૂપોયલા છે. કહેવાય છે કે રાજ્યનાં ઉદ્યોગોનાં ઘડતર અને વિકાસમાં તેનાં ઉદ્યોગ સાહસીકોની સાથે સાથે જે તે રાજ્ય સરકારોનો ફાળો ઘણો મોટો હોય છે. તેવીજ રીતે તેનો વિકાસ રૂંધાય કે અવરોધાય તો પણ રાજ્ય સરકારજ જવાબદાર ગણાય તે સ્વાભાવિક ગણાય.

મોદીજીએ ટેકસટાઈલ પોલીસી ઘડી, પણ આજે શું?

૨૦૦૧માં ગુજરાતની ધૂરા સંભાળ્યા પછી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના ઔદ્યાગીક વિકાસનાં માટે બે ખૂબજ મહત્વનાં કદમ ઉઠાવ્યા હતાં. જેમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અને ‘ટેક્સટાઈલ પોલીસી’ની જાહેરાતો કરી જે ખૂબજ ફાયદેમંદ સાબિત થયા. આનાં પગલે ગુજરાત રાજ્યનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ખાસ્સુ પ્રચલિત થયું અને અહિંના ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને રોજગારી પણ વધ્યા હતા. ગુજરાતની ટેક્સટાઈલ પોલીસીની વાત કરીએ તો તેની ઘણી જાગવાઈઓ રાજ્યના કાપડ ઉદ્યોગ માટે ગેમચેઈન્જર સાબિત થઈ ઍમાં શંકાને સ્થાન નથી. સરવાળે કાપડ ઉદ્યોગમાં નવુ મૂડીરોકાણ, નિકાસ તે રોજગારીને ખૂબ ઉત્તેજન મળ્યું. પરંતુ દુઃખની વાત ઍ છે કે વર્ષ ૨૦૧૪માં મોદીજી દેશનાં વડાપ્રધાન બન્યાં અને દિલ્હી ગયાં પછીથી અગમ્ય કારણોસર ધીમે પગલે ટેક્સટાઈલ પોલીસીનો અમલ અને તેનાં પરનું ફોકસ બંન્ને હટવા લાગ્યાં અને રાજ્યનાં કાપડ ઉદ્યોગ સ્થિતિ કથળવા લાગી હતી. જે આજે ચિંતાજનક બની છે.
આજની તારીખમાં ગુજરાત રાજ્યની નવી ટેક્સટાઈલ પોલીસી જાહેરાત થઈ નથી અને હજી વિચારણાને આધીન છે.

વિવિધ ઉદ્યોગ સંગઠનો તેમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક આગેવાન સંસ્થાઓ સાથે લાંબી ચર્ચા વિચારણા અને રજૂઆતોના અનેક દૌર પછીથી ગુજરાત રાજ્યની નવી ટેક્સટાઈલ પોલીસી આવવી બાકી છે.
તાજેતરમાં સુરત ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારોનાં શપથગ્રહણ સમારોહમાં ગૃહ ખાતા સાથે ઉદ્યોગનો હવાલો સંભાળતા રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીઍ મંચ પરથી ઘોષણા કરી હતી કે તેમની સરકાર શીઘ્ર નવી ટેક્સટાઈલ પોલીસીની જાહેરાત કરશે જેની કામગીરી અંતિમ તબક્કામાં છે. અહિં પ્રશ્ન ઍ છે કે મોદીજી ભલે આજે કેન્દ્ર સરકારનાં વડા અને દેશનાં પ્રધાનમંત્રી છે પરંતુ તેઓ સદૈવ ઉદ્યોગ-વેપારના માટે ખૂબજ જાગૃત રહ્ના છે તો પછી તેમનાં અનુગામીઓની પણ જવાબદારી બને છે કે મોદીજીઍ રાજ્યનાં કાપડ ઉદ્યોગને જે દિશા અને ગતિ આપ્યા હતાં તેમાં ઓટ ના આવવી જાઈઍ, તેમાં લાપરવાહી ના ચાલે.

ગુજરાતનું મુડીરોકાણ મહારાષ્ટ્ર ભણી કેમ વળ્યુ?

ગુજરાત રાજ્યનાં અને ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતનાં કાપડ ઉદ્યોગની સમસ્યાઓમાંની એક અહિંના ઉંચા વીજદરો તથા અન્ય ઈન્સેનટીવ્ઝ છે. જ્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઉદ્યોગોને વીજદરોમાં મોટી સબસીડી મળે છે આનાં પરિણામે ગુજરાતમાં બનતાં યાર્ન તથા કાપડનો ઉત્પાદન ખર્ચ વધુ આવે તે સ્વાભાવિક છે. આ સંદર્ભે રાજ્યનાં કાપડ ઉદ્યોગે દ્વારા ઉંચી પડતર કિંમત તથા અસમાન લેવલ પ્લેઈંગ ફીલ્ડની વારંવાર રજૂઆતો કરી છે પરંતુ આનો ઉકેલ આવ્યો નથી. આનું સીધુ પરિણામ એ આવ્યુ છે કે સુરત- દક્ષિણ ગુજરાતની નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી અને દમણ તેમજ મહારાષ્ટ્રનાં નવાપૂર ખાતે અનેક સ્થાનિક ઉદ્યોગો તેમજ નવા રોકાણકારો સ્થળાંતર કરી ગયા અને આજે આનો સીધો ગેરલાભ ગુજરાત સુરતનાં કાપડ ઉદ્યોગને થયો. આમ કેમ ચાલે? આ ગુજરાત સરકારને સ્પર્શતી બાબત છે તો સરકાર ચોક્કસ આ દિશામાં જરૂર કાંઈક કરી શકી હોત, અને હજી પણ શીઘ્ર આ દિશામાં ત્વરિત પગલાં લેવાવા જાઈઍ. ગુજરાતનાં ઉદ્યોગો પડોશી રાજ્યમાં જતા રહે તેને ગંભીર વાત ગણીને રાજ્ય સરકારે ઉકેલ લાવવો વ્યાપક હિતમાં છે.

પરપ્રાંતીય કારીગરો જેતે રાજ્યનાં ઍમ્બેસેડર છે

ગુજરાતના અને ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતનાં કાપડ ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારો રોજીરોટી માટે અહિં આવીને વસ્યા છે. આ કામદારો ઍ તેમની કમાણી, રહેઠાણ અને જીવનની સ્થિતિનાં અનુભવને આધારે તેનું મૂલ્યાંકન કરીને ગુજરાત રાજ્યની એક છાપ મનોમન ઉભી કરતાં હોય છે અને તેનું બયાન પોતાનાં વતનમાં કરતાં હોય છે. આનાં કારણે ત્યાંની પ્રજા ગુજરાતની ગણના વિકસીત કે સમસ્યાગ્રત રાજ્ય તરીકે કરતાં હોય છે. આની અસર ત્યાંના રાજકીય વાતાવરણ પર પડતી હોય છે. આમ પરપ્રાંતીય કામદાર ગુજરાત અને જેતે રાજ્ય બંન્નેનો ‘બ્રાંડ ઍમ્બસેડર’ ગણાય છે. અહિંની છાપ તે પોતાના વતનમાં લઈ જઈને તેનો પ્રચાર પ્રસાર કરતાં હોય છે. જેની અસર તેનાં માનસપટની સાથે સાથે મતદાનની પેટર્ન ઉપર પણ પડતી હોય છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી તેમજ ભૂતકાળની અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ ઉપર પણ આની અસરો જાવા મળી છે. ગુજરાતની રાજ્ય સરકાર અને રાજકીય પક્ષોએ આની પણ ગંભીર નોંધ લઈને કામદાર કલ્યાણની યોજનાઓ ઘડી અમલી બનાવવી જરૂરી બની રહે છે.

કાપડ ઉદ્યોગ રાજ્યની જીવાદોરી છે

ગુજરાતમાં અમદાવાદ અને સુરત- દક્ષિણ ગુજરાત બંન્ને ટેક્સટાઈલ ઉદ્યોગનાં પ્રમુખ કેન્દ્રો છે અને બંન્ને સ્થળે કાર્યરત ઉદ્યોગની આગવી વિશિષ્ટતા અને અનોખો ઈતિહાસ છે. પરંતુ કૃષિ પછીથી બીજા ક્રમે આવતા આ ઉદ્યોગનું મૂડીરોકાણ અને રોજગારીની દ્રષ્ટિઍ ખૂબજ મોટુ મૂલ્ય છે. કાપડ ઉદ્યોગ એ ઘર-આંગણાની કાપડની જરૂરીયાત સંતોષવા ઉપરાંત ઍક્સપોર્ટની દ્રષ્ટિઍ ખૂબજ મહત્વનાં છે. અહિંનાં કાપડ ઉદ્યોગનાં વિકાસ વિસ્તારથી આકર્ષાઈને લાખોની સંખ્યામાં કામદારો અહિં આવીને વસે છે. તદઉપરાંત નવા ઉદ્યોગ સાહસીકો અહિં મૂડીરોકાણ કરે છે તેમજ જૂના એકમો જંગી વિસ્તરણની યોજના ઘડતા હોય છે. આને લક્ષ્યમાં રાખીને રાજ્યનાં વહીવટકર્તાઓેએ કાપડ ઉદ્યોગની સમસ્યાઓ અને તેનાં શીઘ્ર સમાધાન માટે સ્હેજપણ લાપરવાહ રહેવું કોઈને પરવડે તેમ નથી. તો પછી રાજ્યની ‘નવી ટેક્સટાઈલ પોલીસી’ની જાહેરાતમાં આટલો મોટો વિલંબ કેવી રીતે ચાલી શકે? આશા રાખીઍ કે ગુજરાત સરકાર સત્વરે આ પોલીસીની જાહેરાત કરશે અને તેની જાગવાઈઓ અહિંનાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સાચા અર્થમાં ફાયદાકારક હશે.

મહારાષ્ટ્રની માફક અહિં ટેક્સટાઈલ મંત્રી અને વિભાગની જરૂર

મહારાષ્ટ્ર દાયકાથી રાષ્ટ્રનું પ્રથમ ટેક્સટાઈલ રાજ્ય રહ્નાં છે તેનાં પ્રમુખ કારણોમાંનું એક છે ત્યાંનું અલગ ટેક્સટાઈલ ખાતુ અને ટેક્સટાઈલ મંત્રીનો હોદ્દો. વર્ષોથી મહારાષ્ટ્રમાં રાજ્યનાં કપડા મંત્રી તરીકે ઈચલકરંજીનાં ચૂંટાયેલા ધારાસભ્યની નિયુક્તિ થતી હોય છે. મહારાષ્ટ્રમાં ઈચલકરંજીએ ટેક્સટાઈલનુ મોટુ કેન્દ્ર રહ્નાં છે. ઈચલકરંજીનો સ્થાનિક કાપડ ઉદ્યોગ એવો ધારાસભ્ય ચૂંટે છે જે તેનો સાચો પ્રતિનિધિ હોય અને ત્યાંનાં કાપડ ઉદ્યોગનું સરકારમાં અસરકારક પ્રતિનિધિત્વ કરે. આજ લાઈન ઉપર ગુજરાત સરકારમાં પણ આગવું ટેક્સટાઈલ ખાતુ હોય અને ટેક્સટાઈલ મંત્રીની અલગ નિયુક્તિ કરવામાં આવે તો તેનો મોટો લાભ રાજ્યનાં કાપડ ઉદ્યોગને ચોક્કસપણે મળી શકે છે.
આશા રાખીઍ કે સુરત સહિત રાજ્યનાં કાપડ ઉદ્યોગની સમસ્યાની જરૂરી નોંધ લઈને રાજ્ય સરકાર અને અમલદારો આ અંગે શીઘ્ર પગલાં ભરીને તેનાં ઈતિહાસને વધુ ગૌરવવંતો બનાવે અને તેની ગાડી પુનઃ પ્રગતિનાં પંથે પુરપાટ દોડતી કરશે એવી અભ્યર્થના. અસ્તુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button