રાજકીય મહત્વકાંક્ષા માટે થતું લોકશાહીનું હનન આવનારી પેઢી માટે ખતરાની ઘંટી..!!
સમગ્ર ભારત દેશવાસીઓએ હમણાં જ 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી. આપણે બંધારણ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે કેટલીક વાતો જે આજની રાજકીય પરિસ્થિતિ અને બંધારણ સાથે જોડાયેલી છે એ આપ સમક્ષ રજૂ કરવા માંગુ છું.
દેશની આઝાદીના સંગ્રામમાં ગુજરાતના પ્રદાન ની નોંધ ન લેવાય તો સમગ્ર સ્વાતંત્ર્યની ચળવળ એકડા વિનાના મીંડા જેવી લાગે. સમગ્ર લડતના મુખ્ય સૂત્રધારો પૈકીના બે ગુજરાતી સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાન વિના ભારતની સ્વાતંત્ર્ય ચળવળનો ઇતિહાસ સાવ અધૂરો લાગે. દેશને આઝાદી અપાવવામાં સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, શહીદ ભગતસિંહ, પંડિત જવાહરલાલ નહેરુ જેવા અનેક એવા શહીદવીરો થઇ ગયા જેમણે આપણે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. આઝાદી બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકરે ભારત દેશનું બંધારણ બનાવ્યું.
જે અમલમાં આવ્યું અને આપણા સૌને બંધારણીય હક્કો અને અધિકારો પ્રાપ્ત થયા. ભારત એ લોકશાહી દેશ છે અને એમાં બંધારણ સર્વોપરી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નાગરિકોના બંધારણીય હક્કો ને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે છીનવી લેવાયા છે. બંધારણે જે દરેક નાગરિકને મૌલિક અધિકાર આપેલ છે, તેનું પાલન નથી થતું.
ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે, તેમ છતાં આજે પોતાના રાજકીય રોટલા શેકવા માટે લોકશાહીનું હનન કરવામાં આજના રાજકીય પક્ષો ક્યારેય ખચકાટ અનુભવતા નથી.
કોઈ પણ રાજકીય પક્ષનો જે કોઈ પણ ચૂંટાયેલ સભ્ય હોય એ ખરેખર તો પાંચ વર્ષ માટે પ્રજાએ તેને ચૂંટીને વિધાનસભામાં કે લોકસભામાં મોકલ્યો હોય, પરંતુ રાજકીય મહત્વકાંક્ષા અને વિવિધ પ્રલોભનો ને કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પ્રજા સાથે દ્રોહ કરીને પક્ષ પલટો કરી નાખે છે અને એમાં લોકશાહીના મૂલ્યો જળવાતા નથી. માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ નહીં, સરકારી અધિકારીઓ પણ પોતાની જવાબદારી ભૂલ્યા છે.
ચૂંટણીના નિયમો કે બંધારણના નિયમોનું પાલન કરાવવાની પોતાની બંધારણીય જવાબદારી છે એવા સચિવ, કલેકટર, ડીડીઓ, નાયબ કલેકટર, મામલતદાર કે પોલીસ અધિકારીઓ દ્વારા પણ નિયમોનું બંધારણીય રીતે અમલીકરણ કરાઈ રહ્યું નથી, જેને કારણે બંધારણીય અધિકારોનું નિયમ પ્રમાણે રક્ષણ થવાને બદલે એ અધિકારો નબળા પડી રહ્યા છે એવું લોકમાનસમાં ચર્ચાય રહ્યું છે..! અવારનવાર લોકશાહીના મૂલ્યોનું અધઃપતન થઇ રહ્યું છે, તેમ છતાં અધિકારીઓ અને પદાધિકારીઓ મૌન સેવી ને બેઠા છે, એ આપણા રાજ્ય, દેશ અને સમાજ ત્રણેય માટે ચિંતાજનક બાબત છે.
આઝાદી ની ઉજવણી તો આપણે દર વર્ષે કરીયે છે, પરંતુ શું ખરેખર આઝાદ ભારતના આપણે સૌ નાગરિકો લોકશાહીના બંધારણના નૈતિક મૂલ્યોનું રક્ષણ કરી રહ્યા છે ખરા ? આ સવાલ આજે આપણે પોતાને જ કરવાની જરૂર છે. લોકશાહી ની જે કલ્પના કરી હતી, એ દિશાથી આપણે સૌ ભટકી રહ્યા છે અને લોકો આજની ‘ડર્ટી પોલિટિક્સ’ માં પીસાય રહ્યા છે, પરંતુ હવે બસ…હવે આપણે કોઈ ધાર્મિક મુદ્દો, જાતિવાદ, લોભ લાલચમાં નહીં આવીએ અને કોઈ પણ રાજકીય પક્ષ ને આપણી લાગણી સાથે રમવા નહીં દઈએ અને ભારતના સાચા બંધારણ ની રક્ષા કરીયે એ માટે હદયથી આજથી જ પ્રતિજ્ઞા લઈએ…
“વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહિયે….”
( દર્શન અમૃતલાલ નાયક, સહકારી-સામાજિક-ખેડૂત આગેવાન સુરત )