બિઝનેસસુરત

ન્યુ જર્સી સ્થિત સ્વામી નારાયણ સંસ્થાના ટ્રસ્ટીએ ૩૦૦૦ બિઝનેસમેન મિશન ૮૪ની સાથે જોડવાની ખાતરી આપી

ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચરની વિસ્તૃત માહિતી મેળવી

સુરતઃ અમેરિકાના ન્યુ જર્સી સ્થિત સ્વામી નારાયણ સંસ્થાના ટ્રસ્ટી જ્વલંત ત્રિવેદીએ બુધવાર, તા. ૬ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર સાથે તેમણે મિટીંગ કરી હતી. જેમાં ચેમ્બર પ્રમુખે તેમની સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન કર્યું હતું. સાથે જ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ હેતુ છેલ્લા ૮૪ વર્ષથી કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ ન્યુ જર્સી સ્થિત સ્વામી નારાયણ સંસ્થાના ટ્રસ્ટી જ્વલંત ત્રિવેદીને મિશન ૮૪ની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સે મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવા પ્રયાસ થઇ રહયો છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે. આ ઉપરાંત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા માટે પ્રયાસો કરાઇ રહયા છે.

તેમણે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને અમેરિકામાં ન્યુ જર્સી ખાતે તેમની સંસ્થા સાથે સંકળાયેલા બિઝનેસમેનો સાથે જોડવા માટે પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો. જેથી કરીને સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ તેમની પ્રોડકટ ન્યુ જર્સીના બિઝનેસમેનોને એક્ષ્પોર્ટ કરી શકે અને તેના થકી તેઓ પોતાનો ધંધો – વ્યવસાય વધુ સારી રીતે વિસ્તારી શકે.

સુરતમાં જ જન્મેલા જ્વલંત ત્રિવેદી મિશન ૮૪ પ્રોજેકટથી ઘણા પ્રભાવિત થયા હતા અને આ પ્રોજેકટને સંપૂર્ણપણે સહયોગ આપવાની તેમણે ચેમ્બર પ્રમુખને ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે તેમજ દેશની ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે, આથી તેને ઝડપથી અને સારી રીતે અમલમાં મૂકવાનો તેમણે આગ્રહ કર્યો હતો.

તેમણે અમેરિકામાં ન્યુ જર્સી સ્થિત સ્વામી નારાયણ સંસ્થાના ૩ હજાર બિઝનેસમેન સભ્યોને મિશન ૮૪ના ઓનલાઇન ઇન્ટરનેશનલ પોર્ટલ પર ઓનબોર્ડ કરવાની તેમજ સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે તેઓને જોડવા માટે પ્રયાસ કરવાની બાંહેધરી પણ આપી હતી.

વધુમાં તેમણે કહયું હતું કે, અમેરિકામાં વસતા ભારતીય મુળના બિઝનેસમેનો ભારત સાથે અને ભારતના બિઝનેસમેનો સાથે વ્યાપાર કરવા ખૂબ જ ઉત્સાહી છે. તેઓને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ભારત સાથે જોડે તેવું મિશન ૮૪ જેવું કોઇ પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી એટલે આ કામ થઇ શકતું નથી. હવે આ પ્લેટફોર્મ શરૂ થવાને કારણે ભારતને પ્રેમ કરતા, ભારતને ચાહતા અને ભારતના વિકાસ માટે રસ ધરાવતા અનેક બિઝનેસમેનો અમેરિકાથી જોડાશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. સવાલ માત્ર એ છે કે, આવી સરસ સુવિધા આવા પ્લેટફોર્મ પર ઝડપથી ઉભી કરવામાં આવે. આ પ્લેટફોર્મ ‘Business with Known and Referred People’ની સુવિધા પૂરી પાડે છે. એટલે ચોકકસપણે ભારતથી અમેરિકા ખાતેનો એક્ષ્પોર્ટ વધારી શકાશે.

આ ઉપરાંત તેમણે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર અને પ્લેટિનમ હોલ સહિત ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ફ્રાસ્ટ્રકચરની પણ મુલાકાત લીધી હતી અને ચેમ્બરની પ્રવૃત્તિઓ ઉપરાંત ચેમ્બરના બિઝનેસમેન સભ્યો વિશે પણ વિસ્તૃત માહિતી મેળવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button