
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૪ના રોજ ઇચ્છાપોર જીઆઇડીસી ખાતે આવેલા યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્સ લિમિટેડની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી. જેમાં ચેમ્બરના ગૃપ ચેરમેન સંજીવ ગાંધી તથા ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલા અને કો – ચેરપર્સન અમિબેન નાયક તેમજ SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન મહેશ પમનાની સહિત પ૦થી વધુ સભ્યોનો સમાવેશ થાય છે. ચેમ્બરના પ્રતિનિધિ મંડળે યુરો ફુડ્સના પ્રોડકશન યુનિટની મુલાકાત લઇ વિવિધ પ્રોડકટના મેન્યુફેકચરીંગ અને પેકિંગ વિષે જાણકારી મેળવી હતી.
યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર સાહિલ સાસપરા તથા પ્રતિનિધિઓ શૈલેષ અને કુલદીપે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળને આવકારી પ્રોડકશન યુનિટની વિઝીટ કરાવી હતી. ઇન્ડસ્ટ્રીયલ વિઝીટની શરૂઆત કવોલિટી ચેક રૂમથી થઇ હતી. જ્યાં પ્રોડકટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઓઇલમાં પ્રોટીન અને ફેટની તપાસ કરવામાં આવે છે. યુરો ફુડ્સના યુનિટમાં મુગ દાલ, ચના દાલ, ભાકર વડી, ચીપ્સ, ગાઠીયા અને ચીકી તેમજ લીચી, ગઉવા વિગેરે જ્યુસ બનાવવાની સમગ્ર પ્રક્રિયાને નિહાળી હતી અને તેનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.
પ્રોડકશન યુનિટમાં ચીપ્સ બનાવવા માટે બટાકાની કવોલિટી તપાસવાથી લઇને તેની સફાઇ અને ત્યારબાદ તેના પેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાનો ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને જ્યુસની બોટલ પણ યુરો ફુડ્સના યુનિટમાં જ બને છે અને ત્યાં જ તેનું પેકિંગ થાય છે. આ યુનિટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી પ્રોડકટ બનાવવામાં આવે છે, જેના વિશે તેઓએ માહિતી મેળવી હતી.