સ્પોર્ટ્સ
ભારતીય ટીટી ટીમના ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન અંગે હરમિત દેસાઈ કહે છે “આ તો માત્ર પ્રારંભ છે”
વિશ્વ ક્રમાંક સુધારવા અંગે ધ્યાન કેન્દ્રીત છે, ઓલિમ્પિક્સમાં સ્થાન અંગે વિચારતો નથી
ગાંધીધામ : સતત ઉભરી રહેલી ભારતીય ટેબલ ટેનિસ ટીમે તેના સોનેરી ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેર્યું છે. ચોથી માર્ચે ભારતીય મેન્સ અને વિમેન્સ ટેબલ ટેનિસ ટીમે 2024ની પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં સત્તાવાર પ્રવેશ કરી લીધો હતો જ્યારે ટીમ પહેલી વાર ઓલિમ્પિક્સ ટીમ ઇવેન્ટમાં ક્વોલિફાઈ થઈ હતી.
ગુજરાતના સર્વશ્રેષ્ઠ અને ભારતના મોખરાના ખેલાડી હરમિત દેસાઈએ તાજેતરમાં જ બુસાન ખાતે યોજાયેલી વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કઝાકસ્તાન સામે ભારતના રોમાંચક વિજયમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. તે સફળતાએ ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઈ થવા માટે ભારતને પર્યાપ્ત વિશ્વ ક્રમાંક અપાવ્યો હતો.
સુરતના ખેલાડીએ જૂન 2023માં તેના શાનદાર ફોર્મનો પ્રારંભ કર્યો હતો જ્યારે તે ભારતનો મોખરાનો ખેલાડી બન્યો હતો (વિશ્વ ક્રમાંકમાં મોખરાનો ભારતીય) અને ત્યારથી તે એક પછી એક શાનદાર પ્રદર્શન આપતો રહ્યો છે.
એક વાર્તાલાપ દરમિયાન 30 વર્ષીય ખેલાડીએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી જેમાં ટેબલ ટેનિસ અને તેના જીવનમાં તથા પ્રદર્શનમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો.
તેના કેટલાક અંશો
પ્રશ્નઃ હવે એ સત્તાવાર બની ગયું છે કે ભારતની મેન્સ અને વિમેન્સ ટેબલ ટેનિસ ટીમ પેરિસ ઓલિમ્પિક્સમાં ટીમ ઇવેન્ટમાં ભાગ લેનારી છે. તમારો અભિપ્રાય.
ઉત્તરઃ ભારતીય ટેબલ ટેનિસ સમૂદાય અદ્ધર શ્વાસે આ સત્તાવાર સમર્થનની રાહ જોઈ રહ્યો હતો. અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે. એક ટીમ તરીકે અમે આકરી મહેનત કરી હતી અને આ સફળતામાં ઘણા લોકોનું યોગદાન છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) અને તમામ સપોર્ટ સ્ટાફનો બ ખૂબ આભારી છું જેમણે આ સિદ્ધિ હાંસલ કરવામાં અમને સતત મદદ કરી છે. અને, આ તો માત્ર પ્રારંભ જ છે.
પ્રશ્નઃ આમ તમે હજી પણ તમારા ઓલિમ્પિક્સમાં સ્થાન અંગે વિચારી રહ્યા છો?
ઉત્તરઃ પેરિસ ઓલિમ્પિકસ હજી ચાર મહિના દૂર છે અને તે અગાઉ છથી સાત ટુર્નામેન્ટ યોજાનારી છે. હું અત્યારે મારા વિશ્વ ક્રમાંક અંગે વિચારી રહ્યો છું અને મારા પ્રદર્શનમાં સુધારો લાવવા પ્રયાસ કરી રહ્યો છું. ખરેખર તો હું રિયો 2016 અને ટોકયો 2020માં ક્વોલિફાઈ થવાની ઘણો નજીક હતો પરંતુ નિષ્ફળ રહ્યો હતો. જોઇએ છીએ કે હું ત્રીજી વાર નસીબદાર રહી શકું છું કે નહીં.
પ્રશ્નઃ છથી આઠ મહિના તમારા માટે ખૂબ સારા રહ્યા છે. તમારા આ સફળ ફોર્મ અંગે અમને કાંઈક કહો.
ઉત્તરઃ છેલ્લા એક વર્ષમાં મેં બે નેશનલ રેન્કિંગ ટાઇટલ જીત્યા છે અને નેશનલ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા છે. પંચકુલા નેશનલ ચેમ્પિયનશિપ (મારી કારકિર્દીનું બીજું ટાઇટલ)થી તેનો પ્રારંભ થયો હતો જ્યાં મેં મારા મિત્ર અને મજબૂત હરીફ જી. સાથિયાનને હરાવ્યો હતો. ત્યાર બાદ તરત જ નાઇજિરિયામાં મેં મારી પ્રથમ WTT કન્ટેન્ડર સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં મેં વિશ્વના 11મા ક્રમાંકના કોરિયન ખેલાડી જાંગ વૂ જિંગને પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યો હતો. અને ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના 24મા ક્રમના ચીની ખેલાડી ક્ષિયાંગ પેંગને હરાવ્યો હતો.
ત્યાર પછીની જ ઇવેન્ટમાં ટ્યુનિશિયા ખાતેની WTT કન્ટેન્ડરમાં મેં રાઉન્ડ ઓફ 32માં કોરિયાના લિમ જોંગ હૂન સામે સફળતા હાંસલ કરી હતી. આ પ્રકારે કેટલાક મોખરાના ક્રમાંકિત ખેલાડીઓ સામેની સફળતાએ મારામાં આત્મવિશ્વાસનું સિંચન કર્યું હતું.
પ્રશ્નઃ તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તમે કઝાકસ્તાન સામેના ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા અદાકરી હતી. તેના અંગે કાંઈ વધારે કહો.
ઉત્તરઃ અમે જાણતા હતા કે તેમને હરાવીને અમે પેરિસ ઓલિમ્પિક્સ માટે અમારા માટે જરૂરી એવો વિશ્વક્રમાંક હાંસલ કરી શકીશું. તે દબાણવાળી મેચ હતી અને અમે તમામે સારો દેખાવ કર્યો હતો. મારી ઉપર વધારે દબામ હું કેમ કે હું નિર્ણાયક મેચ રમી રહ્યો હતો. પરંતુ વર્ષોની આકરી મહેનત (નવમી વર્લ્ડ ચેમ્પિયનશિપ રમતો હતો)એ મને વળતર આપ્યું અને હું જીતી શક્યો.
પ્રશ્નઃ છેલ્લા દોઢેક વર્ષના તમારા શાનદાર પ્રદર્શન પાછળ કામ કરી ગયેલા પરિબળો?
ઉત્તરઃ ઘણા છે. મારા મેન્ટલ કન્ડિશનિંગ કોચ પૂણેના ગાયત્રી વર્તક જેમની સાથે હું 2022ની કોમનવેલ્થ ગેમ્સથી કામ કરી રહ્યો છું. તેઓ ઘણા મદદરૂપ રહ્યા છે. યુરોપમાં છેલ્લા 15 વર્ષ રહ્યા બાદ હું છેલ્લા એક વર્ષથી મારા વતન સુરતમાં પરત ફર્યો છું. મારા પરિવાર અને પત્ની સાથે સારો સમય વીતાવવાની બાબત પણ મહત્વની રહી છે. છેલ્લા બે વર્ષથી મેં આદ્યાત્મિક યાત્રા શરૂ કરી છે અને મેં ભગવત ગીતા પાંચ વખત વાંચી છે.
ક્રોધથી મુક્ત રહેવા, ઇન્દ્રિયો પર વધુ નિયંત્રણ અને પરિણામો પર નહીં પરંતુ કર્મ પર ધ્યાન કેન્દ્રીત કરવા વિશેના 12મા અધ્યાયમાંથી મારી અંદર પરિવર્તન આવ્યું છે.
પ્રશ્નઃ તમારા બે નવા ફ્રેન્ચ કોચ અને સુરતમાં આવેલી હાઇ પર્ફોર્મન્સ ટીટી એકેડમીની ભૂમિકા વિશે કાંઇક કહો.
ઉત્તરઃ કોચ જુલિયન ગિરાર્ડને હું લાંબા સમયથી ઓળખું છું અને છેલ્લા બે વર્ષથી હું તેમના સંપર્કમાં છું. એસએજી અને જીએસટીટીએના સહકારથી સુરતમાં તાપ્તી વેલી હાઈ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટરનો સપ્ટેમ્બર 2023માં પ્રારંભ થયો હતો. જુલિયન અને સેડ્રિક રોલેયુએ સુક્ષ્મ ટેકટિકલ પરિવર્તન કર્યા હતા. મારી બોડી લેંગ્વેજ વધારે આક્રમક હતી અને આત્મવિશ્વાસ તો તેથી પણ વધારે હતો. તેઓએ મારી રમતનું સારી રીતે વિશ્વલેષણ કર્યું અને તેમણે મારા ફૂટવર્ક પર વધારે ધ્યાન આપ્યું.
પ્રશ્નઃ ટીમમાં તમારી નવી ભૂમિકા વિશે અમને કાંઇક કહો.
ઉત્તરઃ પહેલી વાર હું પ્રથમ સ્થાને રમી રહ્યો છું. તે થોડી દબાણવાળી કામગીરી છે તેમ છતાં હું તે વિશે ફરિયાદ કરતો નથી કેમ કે આ બાબત માટે તો અમે આટલા વર્ષોથી ટ્રેઇન થયા છીએ.