
સુરત. ભારતીય મહિલા સાહસિકોની સ્પીરિટને ઉજવવાના તથા તેમનાથી પ્રેરણા લઇને અન્ય મહિલાઓ પણ ઉદ્યોગમાં સાહસિકતા કરી શકે તે હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર્સ સેલ દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરત સાથે મળીને બુધવાર, તા. ર૧ ડિસેમ્બર, ર૦રર ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન આખા દિવસ માટે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘વુમન આંત્રપ્રિન્યોર કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્કલેવમાં વકતા તરીકે દેશની જાણીતી મહિલા સાહસિકો રાજસ્થાનના રૂમા દેવી (ટ્રેડિશનલ હેન્ડીક્રાફટ મેન્યુફેકચરીંગ બિઝનેસમાં શ્રેષ્ઠતા ધરાવનાર તથા ફેશન ડિઝાઇનર, સોશિયલ વર્કર અને મોટીવેટર), તામિલનાડુના કલકી સુબ્રમણ્યમ (એવોર્ડ વિજેતા ભારતીય ટ્રાન્સજેન્ડર કલાકાર, એકટીવિસ્ટ, કવિયત્રી અને અભિનેત્રી), મહારાષ્ટ્રની અભિનેત્રી ખુશી શાહ, ગુજરાતના હેપ્પી માઇન્ડના ડાયરેકટર એન્ડ ચીફ મેન્ટર શ્વેતા મર્ચન્ટ ગાંધી અને ગુજરાતના ઓથર એન્ડ કોલમિસ્ટ એશા દાદાવાલા સુરત સહિત દક્ષિણ ગુજરાતની મહિલાઓને મહિલા સશકિતકરણની દિશામાં મહત્વનું સંબોધન કરશે.
કોન્કલેવમાં વકતા તરીકે પધારનાર મહિલા સાહસિકોએ પોતપોતાના ક્ષેત્રમાં ઊંચાઇ હાંસલ કરી છે. દેશના જુદા–જુદા રાજ્યોમાં જઇને તેઓ મહિલાઓને બિઝનેસમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. આથી સુરત સહિત દક્ષિણ ગુજરાતની મહિલા સાહસિકો પણ તેમનાથી પ્રેરીત થઇને બિઝનેસ તથા જીવનમાં યોગ્ય દિશાએ આગળ વધી શકે તે માટે ચેમ્બરના વુમન આંત્રપ્રિન્યોર્સ સેલ દ્વારા આ કોન્કલેવનું આયોજન કરાયું છે.
આ કોન્કલેવમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3VQ3QfG ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.