ગુજરાતબિઝનેસસુરત

સુરતને લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં નંબર-૧ બનાવવા રાજ્ય સરકાર તમામ સહયોગ આપશે :  હર્ષ સંઘવી

સુરતના સરસાણા ખાતે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઈબ્રન્ટ સેમિનાર યોજાયો

સુરત: ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે સુરતના સરસાણા ખાતે ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘જ્વેલરી, જેમસ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઈસન્સ ફોર રેડિઅન્ટ ભારત’ની થીમ પર જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી-વાઈબ્રન્ટ સેમિનાર યોજાયો હતો. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિઓ અને તજજ્ઞોએ વિવિધ વિષયો પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત સહિત રાજ્યના લાખો નાગરિકો, પરિવારોના જીવન ધોરણ સુધારવા અને તેમને સમૃદ્ધિના માર્ગ પર અગ્રેસર કરવામાં હીરા ઉદ્યોગ નિમિત્ત બન્યો છે. જેમાં બદલતા સમય સાથે જેમ્સ એન્ડ જ્વેલરી અને લેબ ગ્રોન ડાયમંડ સેક્ટરમાં પણ સુરતે કાઠું કાઢ્યું છે એમ જણાવી રિયલ ડાયમંડમાં નંબર-૧ પર રહેલા સુરતને હવે લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં નંબર-૧ બનાવવા રાજ્ય સરકાર તમામ સહયોગ આપશે, ત્યારે અગ્રણી ઉદ્યોગકારોએ સુરતમાં જ્વેલરી પ્રોડક્શનનું યુનિટ શરૂ કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

ગુજરાતની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અને ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ જ ગુજરાતના વિકાસના પાયાના પથ્થર છે એમ જણાવતાં શ્રી સંઘવીએ રાજ્યના ઉદ્યોગકારોની સમસ્યાઓ, રજૂઆતો સાંભળવા અને સેતુરૂપ બનવા માટે પ્રી વાઈબ્રન્ટ ઈવેન્ટ્સ યોજી તેમને મદદરૂપ બનવાનો પણ સરકારનો હકારાત્મક અભિગમ હોવાનું કહ્યું હતું. ગુજરાતમાં રોકાણ કરેલો એક-એક રૂપિયો જીવનભર સુરક્ષિત રહેશે એમ સ્પષ્ટપણે જણાવતા તેમણે ઈન્વેસ્ટમેન્ટના નાણાંનું સવાયું અને સાચું વળતર આપવામાં ગુજરાતની ભૂમિ લાભકારક બની છે એમ પણ ઉમેર્યું હતું.

મંત્રીએ રાજ્ય સરકાર ઉદ્યોગકારોની દુવિધાઓને સુવિધાઓમાં બદલવા હરહંમેશ તત્પર છે એમ સ્પષ્ટપણે જણાવી હીરા અને જેમ્સ જ્વેલરી ઉદ્યોગકારોને અભિનંદન આપતા ઉમેર્યું કે, ગુજરાતે ડાયમંડ સહિત જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં પણ અગ્રેસર રહી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું કાર્ય કર્યું છે તે સરાહનીય છે. વાઈબ્રન્ટ ગુજરાતની આ પ્રી-ઈવેન્ટ ડાયમંડ તેમજ જેમ્સ જ્વેલરી સેક્ટરને સાચી દિશામાં આગળ વધવા માટે મદદ કરશે. આ ઈવેન્ટમાં વૈચારિક આદાન-પ્રદાનથી આ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ ઉજાગરને થશે.

ગ્રીનલેબ ડાયમંડ્સના એમ.ડી. મુકેશ પટેલે સુરત હીરાના કટિંગ, પોલિશીંગ, વેલ્યુ એડિશનમાં વિશ્વનું હબ એવું સુરત હવે ડાયમંડ વેચાણની વેલ્યુ ચેઈન થકી આગવી ઈમેજ ઉભી કરી રહ્યું છે. ઉપરાંત, સુરત જેમ્સ એન્ડ જ્વેલરીમાં સુરત ઊચ્ચત્ત શિખરો સર કરી રહ્યું છે એમ જણાવ્યું હતું. રામકૃષ્ણ ડાયમંડના ડિરેક્ટર શ્રેયાંસ ધોળકિયાએ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં રહેલા વિકાસની વિશાળ તકો, સુરતનું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવબળની ઉપલબ્ધતા અંગેનો ચિતાર આપ્યો હતો.

જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિઓએ ત્રણ સેશન્સ દ્વારા વિકસિત ભારત માટેનું વિઝન રજૂ કર્યું

 સેમિનાર દરમિયાન કેટલાક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક વક્તાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને અન્ય સંબંધિત હિતધારકો દ્વારા ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની ભૂમિકા અંગે વિચાર-વિમર્શના ત્રણ ટેક્નિકલ સત્રો યોજાયા હતા. પહેલા સત્રમાં ‘બિલ્ડીંગ બ્રિલિયન્સ: ગુજરાત્સ વિઝન ફોર 2047 એન્ડ બિયોન્ડ’ (પ્રતિભાઓનું નિર્માણ: 2047 અને તેથી આગળના ભવિષ્ય માટે ગુજરાતનું વિઝન), બીજા સત્રમાં ‘રિડિફાઈનિંગ G&J: અ વિઝન ફોર ગુજરાત્સ ટેક પાવર્ડ ટ્રાન્સફોર્મેશન’ (જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરવું: ગુજરાતના ટેક્નોલોજી આધારિત પરિવર્તન માટેનું વિઝન) અને ત્રીજા સત્રમાં ‘લેબ ગ્રોન ડાયમંડ્સ: અ વિઝનરી જર્ની ફોર ગુજરાત્સ નેક્સ્ટ’ (લેબોરેટરીમાં વિકસિત હીરા: ગુજરાતના ભવિષ્ય માટે એક દૂરંદેશીપૂર્ણ યાત્રા) ની થીમ પર આધારિત લેબોરેટરીમાં વિકસિત કરવામાં આવેલા હીરા અંગે વિચાર વિમર્શ કરાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button