નેશનલબિઝનેસ

દુનિયાભરનું એક માત્ર એરપોર્ટ જ્યાં રનવે પર નયનરમ્ય શોભાયાત્રા નીકળે છે!

અદાણી ગ્રુપ સંચાલિત એરપોર્ટ દ્વારા સમુદાયોની પરંપરાઓનું સન્માન

શું તમે કોઈ એવું એરપોર્ટ જોયું છે જેના રનવે પરથી હાથી-ઘોડા અંબાડી અને ઢોલનગારા સાથે વિવિધ પ્રતિકૃતિઓ ધરાવતી શોભાયાત્રા નીકળતી હોય? જી હા, આજે અમે તમને એક એવા એરપોર્ટની મુલાકાત કરાવવાના છીએ જ્યાં સમુદાયોની ભાવનાઓના સન્માન કાજે શોભાયાત્રા માટે એરપોર્ટ ફ્લાઈટ્સની અવરજવરને મોકૂફ રાખે છે. તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાભરનું એક માત્ર એરપોર્ટ છે જેનો રનવે શોભાયાત્રાની સુવિધા માટે કલાકો સુધી બંધ રાખવામાં આવે છે. એટલું જ નહીં, તમામ ફ્લાઈટ્સ રિશેડ્યૂલ કરવામાં આવે છે. સદીઓ-જૂની શોભાયાત્રાની પરંપરાને જાળવી રાખવા વર્ષમાં બે વાર આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે.

આ શોભાયાત્રા પાછળ એક ઐતિહાસિક તથ્ય પણ માનવામાં આવે છે. ઇતિહાસકારો અનુસાર જ્યારે એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે તત્કાલીન ત્રાવણકોરના રાજા ચિથિરા થિરુનાલે વર્ષમાં 363 દિવસ લોકો માટે આ જગ્યા ખુલ્લી રાખવાનો અને શાહી પરિવારની શોભાયાત્રા માટે બે દિવસ જગ્યા ખુલ્લી રાખવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ઑક્ટોબર-નવેમ્બરમાં આવતા અલ્પાસી ઉત્સવ અને માર્ચ-એપ્રિલમાં પેનકુની તહેવાર દરમિયાન રનવે બંધ થાય તે પહેલાં એરપોર્ટ દર વર્ષે બે વાર એરમેનને (નોટમ) નોટિસ જારી કરે છે.

અદાણી ગ્રુપે એરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ આજદિન સુધી રાજવી યુગની પરંપરાગત વિધિ યથાવત્ રહી છે. સદીઓ-જૂની ઔપચારિક શોભાયાત્રા રનવે પરથી પસાર થઈ શકે તે માટે એરપોર્ટ દાયકાઓથી દર વર્ષે બે વાર ફ્લાઈટ્સ ઓપરેશનની કામગીરીને થોભાવે છે અને ફ્લાઈટ્સનું પુનઃનિર્ધારણ કરે છે. એકવાર શોભાયાત્રા સમાપ્ત થયા બાદ એરપોર્ટ રનવેની સંપૂર્ણ સાફ-સફાઈ અને નિરીક્ષણ કરી ફ્લાઇટસની સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની શોભાયાત્રાથી મુસાફરોની અવરજવર કે એરટ્રાફિકમાં કોઈ ઘટાડો થતો નથી. વર્ષ 2023 -24 દરમિયાન તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (TIAL) ના મુસાફરોની સંખ્યા અને એર ટ્રાફિકની હિલચાલ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. 2022-23માં 3.46 મિલિયન મુસાફરોની સરખામણીએ એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં કુલ 4.4 મિલિયન મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. જે એરપોર્ટના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા પૈકી એક છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button