ગુજરાતનેશનલસુરત

સેવા અને સંવેદનાથી છલકાતી ગુજરાતની ભૂમિએ દેશને અનેક રાષ્ટ્રરત્નો આપ્યા : રાજનાથસિંહ

સુરતના મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા ૧૩૧ શહીદ પરિવારોને રૂ.૩.૨૭ કરોડની શૌર્ય રાશિ અર્પણ

સુરત: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં સુરતના મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સરથાણા સ્થિત હરેક્રિષ્ના કેમ્પસ ખાતે આયોજિત ‘શહીદો ને સલામ’: પાંચમા સન્માન સમારોહમાં ૧૩૧ શહીદ પરિવારોને રૂ.૩.૨૭ કરોડની શૌર્ય રાશિના ચેક અર્પણ કરાયા હતા.  

સમારોહમાં શહીદોને ભાવભીની અંજલિ અને શહીદોના પરિવારજનોનું બાઅદબ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં લાગણીભર્યા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઇલ રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ આ વેળાએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.  

દેશભરના શહીદ પરિવારોને તન, મન,ધનથી સાથ સહકાર અને હૂંફ આપવા, શહીદોના પરિવારોને આર્થિક સધિયારો આપવા માટે સ્થપાયેલા મારૂતિ વીર જવાન ટ્રસ્ટની રાષ્ટ્ર ભાવનાને બિરદાવતા સંરક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,  હીરા નગરી સુરતમાં સેવા, સંસ્કાર અને વ્યવહારની જ્યોત પ્રગટાવનાર માણસના રૂપમાં શ્રેષ્ઠ હીરાઓ વસે છે. માણસાઈની ખાણમાં ઉપજેલા હીરા સમાન હીરા ઉદ્યોગકારોએ સ્વ. શહીદોના પરિજનોની ખેવના કરી છે, જે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ રૂપે ઉત્તમ સેવાસંસ્થામાં પરિણમી છે.

મારૂતિ વીર જવાન ટ્રસ્ટના સૂત્રધારો, ટ્રસ્ટીઓ દેશ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે એવી ભાવના વ્યક્ત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સેવા અને સંવેદનાથી છલકતી ગુજરાતની ભૂમિએ દેશને અનેક રાષ્ટ્રરત્નો આપ્યા છે. ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે..’ ની ઉદાત્ત ભાવના, જનસેવાની મંત્રપંક્તિ આપનાર કવિશ્રી નરસિંહ મહેતાની જન્મભૂમિ ગુજરાત છે, દેશને એક તાંતણે બાંધનાર સરદાર પટેલ સાહેબ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના રચયિતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની માટીનું રતન છે એમ જણાવી વડાપ્રધાનશ્રીની કર્તૃત્વ ભાવનાથી દેશદુનિયામાં ભારતનું કદ અને પ્રતિષ્ઠા વધ્યા છે એમ ગર્વ સાથે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, ‘ઈન્ડિયા ફર્સ્ટ’ના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર સરકારે ‘સિક્યોરિટી ફર્સ્ટ’ના લક્ષ્યને પ્રાધાન્ય આપ્યું છે. દેશની સરહદી સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીયુક્ત સંરક્ષણ સંસાધનો દેશના સૈનિકો અને સૈન્ય બળોને પૂરા પાડ્યા છે. દેશના દુશ્મનો પર સુરક્ષા બળોની ચાંપતી નજર છે, દેશના સૈનિકોના પ્રતાપે ભારતીય નાગરિકો સુરક્ષિત છે.

ગુજરાત સાથે મારૂં આત્મીય જોડાણ છે, કારણ કે મારી માતાનું નામ ગુજરાતી દેવી છે એમ જણાવી શ્રી રાજનાથસિંહે ગુજરાત તેમજ સુરતવાસીઓની આતિથ્ય ભાવનાને બિરદાવી હતી. તેમણે ‘મા તેરા વૈભવ અમર રહે’ની સમર્પણ ભાવના સાથે દેશની સીમાનું રક્ષણ કરતા શહીદી વ્હોરનાર પ્રત્યેક વીર શહીદને અંજલિ અર્પણ કરી હતી.

સુરત ડાયમંડ બુર્સના રૂપમાં વિશ્વના સૌથી વિશાળ ઓફિસ બિલ્ડીંગે સુરત, ગુજરાત તેમજ સમગ્ર દેશને વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું છે તેની ખુશી પણ વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, સુરતના શ્રેષ્ઠીઓની નાગરિક કર્તવ્ય ભાવના દેશ માટે પ્રેરણારૂપ છે. શહિદોનું સન્માન અને તેમના પરિવારજનોની કાળજી લેવાની ભાવના સરાહનીય છે. આ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં પણ શહીદોને આર્થિક મદદની સરવાણી અટકી ન હતી.

મારૂતિ વીર જવાન ટ્રસ્ટના પ્રમુખશ્રી લવજીભાઈ બાદશાહે જણાવ્યું હતું કે, કરોડો દેશવાસીઓની રક્ષા કરવા માટે પ્રાણોની આહુતિ આપનારા શહીદોના પરિવારોને મદદ કરીએ એટલી ઓછી છે. શહીદોનું ઋણ ક્યારેય ચૂકવી શકાય નહીં. તેમનું સન્માન કરીને સમગ્ર દેશ તેની સાથે છે, દરેક નાગરિક તેના પરિવારનો હિસ્સો છે તેવી હૂંફ આપવા માટે આ કાર્યક્રમનું શ્રેણીબદ્ધ આયોજન કરવામાં આવે છે.

લવજીભાઈએ ઉમેર્યું કે, આજ સુધીમાં કુલ ૩૨૦ શહીદ પરિવારોને રૂ.૧૧ કરોડ જેટલી આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે, જ્યારે આ પાંચમા સન્માન સમારોહમાં ૧૩૧ શહીદ પરિવારોને રૂ.૩.૨૭ કરોડની શૌર્ય રાશિ અર્પણ કરાઈ છે.

મારૂતિ વીર જવાન ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ નનુભાઈ સાવલીયાએ કહ્યું કે, શહીદ પરિવારો માટે સહાનુભૂતિ અને આર્થિક સહાય કરવાના હેતુથી ટ્રસ્ટીઓએ વર્ષ ૨૦૧૭ માં શહીદ સૈનિકોના પરિવાર માટે પૂ. મોરારિબાપુના વ્યાસાસને રાષ્ટ્રકથા યોજી હતી, જેમાં એકત્ર થયેલા કરોડો રૂપિયાનું સ્થાયી ફંડ ઉભું કરી તે બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજમાંથી શહીદ પરિવારોને આર્થિક સહાય કરવામાં આવે છે. ગુજરાત અને તેનું સુરત શહેર એકમાત્ર છે, જે શહીદો માટે આ પ્રકારે મદદ કરે છે.

આ પ્રસંગે ઇન્ડિયા એન્ટી ટેરિસ્ટ ફ્રન્ટના વડા અને રિટાયર્ડ મેજરશ્રી મનિન્દર સિંહ બિટ્ટા, મેયર દક્ષેશ માવાણી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, સવજીભાઈ ધોળકિયા સહિત અગ્રણી સમાજ સેવીઓ, સુરત મારૂતિ વીર જવાન ટ્રસ્ટના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button