બિઝનેસસુરત

મિશન ૮૪ અંતર્ગત બિઝનેસ કઇ રીતે થઇ શકે તે માટે ચેમ્બર અન્ય શહેરો માટે આદર્શ બનશે : મેયર દક્ષેશ માવાણી

SGCCI દ્વારા સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત અને નિવૃત્ત પદાધિકારીઓનું સન્માન કરાયું

સુરતઃ ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૩૦ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત અને નિવૃત્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં નવનિયુકત મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશિબેન ત્રિપાઠી, દંડક ધર્મેશકુમાર વાણિયાવાલા તથા વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરીયા અને દંડક રચનાબેન હિરપરાનું સન્માન કરવામાં આવ્યું હતું.

એવી જ રીતે સુરત મહાનગર પાલિકાના નિવૃત્ત થયેલા પદાધિકારીઓ જેવા કે પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ પરેશ પટેલ, પૂર્વ દંડક વિનોદ પટેલ તથા વિરોધ પક્ષના પૂર્વ દંડક શોભનાબેન કેવડીયાનું સન્માન કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનો – ઉપ ચેરમેનો સહિત શહેરના નગરસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેને આવકારી ભારત દેશને આર્થિક મહાસત્તા બનાવવા માટે એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં ચેમ્બર દ્વારા શરૂ કરાયેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે સુરત શહેરને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ સુરત મહાનગરપાલિકાની એક કમિટી બને અને વિચારવિમર્શ કરીને આયોજન કરે તેવી પણ રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ સમક્ષ કરી હતી. સાથે જ તેમણે મિશન ૮૪ અંતર્ગત ચેમ્બર દ્વારા શહેરના વિવિધ ૮૪ જેટલા ટ્રાફિક આઇલેન્ડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે તે માટે જરૂરી સહયોગ આપવા સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.

નવનિયુકત મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહેરના વિવિધ ૮૪ જેટલા ટ્રાફિક આઇલેન્ડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા સુરત મહાનગરપાલિકા તરફથી તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવશે અને એમાંથી એક સ્થળે રાષ્ટ્રધ્વજ તેઓ સ્પોન્સર કરાવશે તેમ જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, બ્રાન્ડ સુરતને ડેવલપ કરવા તેમજ તેને આકર્ષિત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સે કામ કર્યું છે. મિશન ૮૪ અંતર્ગત બિઝનેસ કઇ રીતે થઇ શકે તેના માટે ચેમ્બર, અન્ય શહેરો માટે આદર્શ બનશે.

વધુમાં મેયરે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં જ સુરતને ચાર એવોર્ડ મળ્યા છે. કોરોનાની સ્થિતિમાં સૌથી સારી કામગીરી કરવા માટે સુરતને પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મળ્યો છે. એવી જ રીતે સ્માર્ટ સિટીમાં સુરતને બીજા ક્રમાંકનો એવોર્ડ મળ્યો છે. એવા જુદા–જુદા ચાર જેટલા એવોર્ડ હું ચેમ્બર ઓફ કોમર્સના આ મંચ પરથી તમામ સુરતીઓને સમર્પિત કરું છું તેમ તેમણે જણાવ્યું હતું.

સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત મહાનગરપાલિકા એક રથના બે પૈંડા છે. સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માત્ર વિકાસના એજન્ડા સાથે આગળ વધી રહયું છે ત્યારે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટે ચેમ્બરને જ્યારે પણ સુરત મહાનગરપાલિકાના સહયોગની જરૂર પડશે ત્યારે અમે હાજર રહીશું અને સંપૂર્ણ સહયોગ કરીશું.

સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષમાં સુરતમાં જે કામો થયા તેને કારણે સુરત મહાનગરપાલિકાને કાયમી સ્વરૂપે આવક ઉભી થશે. મહાપાલિકા હવે હજીરા, પલસાણા અને કડોદરાના ઉદ્યોગોને પણ પાણી ટ્રિટ કરીને આપશે અને આવક ઉભી કરશે. સુરત શહેરના વિકાસ માટે મહાપાલિકાએ કેટલાક ખર્ચાઓ પર કાપ મૂકી આવક વધારી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમાંક ધરાવતા ઇન્દોરના શહેરીજનોમાં સ્વચ્છતા માટે જે સ્પીરિટ દેખાય છે તેવો જ સ્પીરિટ સુરત શહેરના લોકોએ અને સુરતે લાવવાની જરૂર છે.

અત્રે ખાસ નોંધનીય બાબત એ રહી હતી કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે કાર્યરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી બિન રાજકીય સંસ્થાના મંચ પર બધા જ રાજકીય પક્ષના પદાધિકારીઓ અને નગરસેવકો એકત્રિત થયા હતા અને સુરત શહેરના વિકાસ માટે કટિબદ્ધ થયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત અને નિવૃત્ત પદાધિકારીઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ગૃપ ચેરમેન ભાવેશ ટેલર, ચેમ્બરની એસએમસી લાયઝન કમિટીના ચેરમેન નિતિન ભરૂચા અને ભૂતપૂર્વ પ્રમુખો તેમજ નગરસેવકો સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સમગ્ર સન્માન સમારોહનું સંચાલન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button