ચેમ્બર પ્રમુખે અમેરિકામાં ભારતીય કોન્સુલ જનરલ સોમનાથ ઘોષ સાથે મિટીંગ કરી
સુરત, ગુજરાત અને ભારતના ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની શિકાગોમાં તક ઉપલબ્ધ થાય તે માટે વિચાર મંથન
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત એક્ષ્પોર્ટને વધારવા હેતુ તેમજ તેના માટે સુરતના ઉદ્યોગકારો માટે વિવિધ તકો ઉપલબ્ધ થાય તે માટે અમેરિકાના પ્રવાસે છે ત્યારે મંગળવાર, તા. ૯ એપ્રિલ ર૦ર૪ના રોજ તેઓએ અમેરિકાના શિકાગો શહેરમાં શિકાગો સ્થિત ભારતીય કોન્સુલ જનરલ સોમનાથ ઘોષ સાથે મિટીંગ કરી હતી.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા દ્વારા શિકાગો સ્થિત ભારતીય કોન્સુલ જનરલ સોમનાથ ઘોષ સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં કોન્સુલ જનરલને મિશન ૮૪ વિશેની કામગીરી અને તેના લક્ષ્ય વિશે તેમજ મિશન ૮૪ અંતર્ગત કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને તેને કારણે કેવી રીતે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી પ્રવૃત્તિઓ થઇ રહી છે તેનાથી તેઓને વિગતવાર વાકેફ કરવામાં આવ્યા હતા.
ચેમ્બર પ્રમુખે મિશન ૮૪ની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધર્યું છે અને તેના અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.