સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૬ મે, ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કેનેડિયન ઇમિગ્રેશન’ વિષય ઉપર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રજિસ્ટર્ડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તેમજ સાઇનરાઇટ વીઝા એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ઇન્કના મેનેજિંગ ડાયરેકટર ધર્મેન્દ્ર સોલંકી દ્વારા કેનેડામાં કાયમી નિવાસ માટે તથા મુલાકાત, અભ્યાસ અને નોકરી હેતુ લેવામાં આવતા વિવિધ વિઝા તેમજ ઇકોનોમિક કલાસ, ફેમિલી કલાસ, રેફયૂજી એન્ડ હયુમનેટેરિયન કલાસ અને એકસપ્રેસ એન્ટ્રી વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારત દેશ ખૂબ જ વિશાળ છે પણ જેઓને ભારતની ભૂમિની બહારનું આકાશ સર કરવાની ઈચ્છા અને ઝંખના છે તેઓને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે. કેનેડામાં ખૂબ સારી જોબ ઓપોર્ચ્યુનિટી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશ્યાલિસ્ટ, રોબોટિકસ એન્જીનિયર્સ, સાયબર સિકયોરિટી એકસપર્ટ, ડેટા સાયન્ટીસ્ટ, સેલ્ફ ડ્રાઇવીંગ કાર એન્જીનિયર્સ વિગેરે ક્ષેત્રમાં યુવાઓને કારકિર્દીની ઘણી તકો ઉભરી આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૦ માં ભારતથી ૪ર,૮૭૦ લોકો કેનેડા ખાતે ઇમિગ્રેશન માટે ગયા હતા, આજે આ આંકડો વધીને વર્ષ ર૦રર માં ૧,૧૮,૦૯પ સુધી થઇ ગયો છે. કેનેડામાં ભારતીયોનું સ્થાયીપણું તેની ઉપયોગિતા બતાવે છે. આ ઉપરાંત કેનેડાના પી.આર. મેળવ્યા બાદ પણ ઘણા લાભો છે.
વકતા ધર્મેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, કેનેડામાં આખા વિશ્વમાંથી સૌથી વધુ ભારતના લોકો સ્થાયી થવા માટે ઇમિગ્રેશન લેતા હોય છે. કેનેડામાં અન્ય દેશોના લોકોને પર્મનન્ટ રેસિડેન્ટ કાર્ડ મળે છે. ભારતના નિવાસી હોવા છતાં લોકો પાંચ વર્ષ બાદ કેનેડામાં ગ્રીનકાર્ડની પ્રોસેસ કરી શકે છે. એના માટે પહેલા ભારતીયોએ અરજી કરવાની હોય છે. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા સ્ક્રીનિંગ થાય છે અને વીઝા ઓફિસ એની તપાસ કરે છે. કેનેડાની સ્થાનિક ઓફિસ દ્વારા તમામ તપાસ કર્યા બાદ ઇન્ટરવ્યુ થાય છે અને ત્યારબાદ પર્મનન્ટ રેસિડેન્ટ મળે છે અથવા રિફયુજ થાય છે. જેઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવે છે તેઓની ફાઇલ પાંચ વર્ષ માટે ડિબાર કરી દેવામાં આવે છે, આથી સાચી માહિતી સાથે અરજી કરવાની સલાહ તેમણે આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેનેડામાં જવા ઇચ્છતા યુવાઓ અને વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાની ટેસ્ટ આપવી પડે છે. કેનેડામાં નોકરી માટે એજ્યુકેશનલ ક્રેડેન્શીયલ એસેસમેન્ટ જરૂરી છે. સ્થાનિક ઓફિસ વર્લ્ડ એજ્યુકેશન સર્વિસિસને પ્રાધાન્ય આપે છે. કેનેડિયન ઇમિગ્રેશન માટે શિક્ષણ, ભાષા, અનુભવ, ઉમર, અરેન્જ એમ્પ્લોયમેન્ટ, એડેપ્ટેબિલિટી અને ગ્લોબલ સ્કેલ સ્ટ્રેટેજીસ મહત્વનો ભાગ ભજવે છે.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ગૃપ ચેરમેન તેમજ ઇન્વેન્ટ એન્ડ પ્રોગ્રામના કો–ઓર્ડિનેટર દીપક કુમાર શેઠવાલાએ સમગ્ર કાર્યક્રમનું તેમજ સવાલ – જવાબ સેશનનું સંચાલન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. વકતાએ કેનેડા જવા ઇચ્છુક યુવાઓ તેમજ વિદ્યાર્થીઓના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.