
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૬ જુલાઇ ર૦ર૩ ના રોજ સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ધી ફેડરેશન ઓફ તેલંગાણા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અનિલ અગ્રવાલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મીલા જયદેવ, ભૂતપૂર્વ પ્રમુખ રમાકાંત ઇનાની, રવિ કુમાર, રાખી કાંકરિયા, રૂપેશ અગ્રવાલ, પી. ક્રિષ્ણા, વીના, સુજાતા, સુધીર અગ્રવાલ, પ્રણવ અગ્રવાલ, અંકિત પિટ્ટી, અનિલ કુમાર પિટ્ટી અને માનવ અગ્રવાલ સહિતના પ્રતિનિધિ મંડળ સાથે ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના ભાગ રૂપે વિશ્વના ૮૪ દેશોની સાથે વ્યાપાર વધારવાનો સંકલ્પ ચેમ્બર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને એક પ્લેટફોર્મ ઉપર લાવી ઉદ્યોગકારોની સાથે સંવાદ કરવામાં આવશે. તેલંગાણાની ઇન્ડસ્ટ્રીઝ પોલિસી વિષે ઉદ્યોગકારોને જાણવા મળશે. આ ઉપરાંત તેલંગાણા ખાતે વિવિધ ક્ષેત્રે રોકાણ માટે તકો મળી રહેશે. તેમણે કહયું કે, ભારતના ૮૪ દેશોમાં કોન્સુલ જનરલને તેમજ ૮૪ દેશોના ભારત સ્થિત કોન્સુલ જનરલને જોડાશે અને તેઓના દેશો સાથે વ્યાપાર માટે જે કાયદા અને નિયમો છે તેના વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપી દિશા નિર્દેશ કરવામાં આવશે.
આ ઉપરાંત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયાસના ભાગ રૂપે ૮૪૦૦૦ જેટલા યુવા ટેલેન્ટેડ આંત્રપ્રિન્યોર્સને જોડવામાં આવશે અને વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોમાં વસતા ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરાશે. તેમના કાર્યકાળ દરમ્યાન એક વર્ષમાં ચેમ્બરને નવા ૧૦૦૦ સભ્યો અને તેના દ્વારા રૂપિયા પાંચ કરોડની આવક કરી આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ધી ફેડરેશન ઓફ તેલંગાણા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે પ્રથમ મિટીંગની સાથે ચેમ્બરના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની પહેલનો શુભારંભ થઇ રહયો છે. બંને ચેમ્બર ઓફ કોમર્સ એકબીજાના બિઝનેસ આઇડીયાઝનું આદાન પ્રદાન કરશે તેમજ કેન્દ્ર સરકારને કરાતી રજૂઆતો વિષે સંકલન સાધીને એકસાથે મળીને રજૂઆત કરીશું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. FTCCI ખાતે ચાલતા ઇન્કયુબેશન સેન્ટર વિષે તેમણે માહિતી મેળવી હતી. તેમણે FTCCIના પ્રતિનિધિઓને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર યાર્ન તથા વિવનીટ એકઝીબીશન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
FTCCIના પ્રમુખ અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, સામાન્યપણે દેશમાં બધી જ ચેમ્બર ઓફ કોમર્સનું કામ એકસરખું જ હોય છે. તેમના ત્યાં ર૦ જેટલી એક્ષ્પર્ટ કમિટીઓ છે, જેમાં એન્વાયરમેન્ટ અને ટેક્ષેશન વગેરે કમિટીઓનો સમાવેશ થાય છે. હાલમાં જ પ્રથમ વખત તેમણે એકઝીબીશન કર્યું હતું અને હાલ તેઓએ ડેડીકેટેડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ બનાવ્યું છે. SGCCIની સભ્ય સંખ્યા જાણીને તેઓ મેમ્બરશિપ વધારવા શું કરી શકાય તે અંગેની માહિતી ચેમ્બર ઓફ કોમર્સ પાસેથી મેળવી હતી.
તેમણે કહયું હતું કે, હૈદરાબાદ ટી–હબ તરીકે દેશભરમાં જાણીતું છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર વધારે ડેવલપ થયું છે. રેડીમેડ ગારમેન્ટ પણ બને છે. ટેક્ષ્ટાઇલ પાર્કમાં રૂપિયા ૩૦૦૦ કરોડનું મોટું રોકાણ થયું છે. ફૂડ પ્રોસેસિંગ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે પણ અગ્રેસર છે. આ ઉપરાંત કોટન અને રાઇસ પ્રોડયુસર પણ છે. તેમણે SGCCIને હૈદરાબાદ ખાતે FTCCIની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા તથા ભૂતપૂર્વ પ્રમુખો કમલેશ યાજ્ઞિક, રોહિત મહેતા અને પ્રફુલ શાહ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને ગૃપ ચેરમેન મનિષ કાપડીયાએ સમગ્ર મિટીંગનું સંચાલન કર્યું હતું.