સુરત મનપાના ઈતિહાસમાં 9603 કરોડનું સૌથી મોટું ડ્રાફ્ટ બજેટ રજુ
સને 2025-26નું અંદાજે 469 કરોડનું રેવેન્યુ સરપ્લસ ધરાવતાં બજેટ

સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આજરોજ સને 2025-26નું અધધધ 9603 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. ગત વર્ષની તુલનામાં 885 કરોડના વધારા સાથે સુરત મહાનગર પાલિકાના ઈતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતાં પ્રગતિશીલ બજેટમાં નવા આઈકોનિક પ્રોજેક્ટની બાદબાકી સાથે વાસ્તવિકતાલક્ષી બજેટ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.
બીજી તરફ સુરત મહાનગર પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત 4562 કરોડ રૂપિયાના કેપિટલ કામોની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જેમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધા સહિત વિકાસ કાર્યો પર 868 કરોડના વધારા સાથે તબક્કાવાર 5481 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આગામી વર્ષે સુરત મહાનગર પાલિકાની ચુંટણીને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈપણ પ્રકારના કર – દરના વધારાને બજેટમાં અવકાશ આપવામાં આવ્યો નથી. આગામી નાણાંકીય વર્ષના ડ્રાફટ બજેટમાં સમગ્ર ભારતમાં અર્બન લોકલ બોડીઝમાં પહેલી વખત ઈનોવેટીવ મ્યુનિસિપલ ફાયનાન્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરનાં સિટીલાઈટ ખાતે સાયન્સ સેન્ટરમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આગામી નાણાંકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અને સને 2024-25નું રિવાઈઝ્ડ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. ગત વર્ષની તુલનામાં 885 કરોડ રૂપિયાના વધારા સાથે કુલ 9603 કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજુ કરતાં મ્યુનિસિપલ કમિશનલ શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ગત વર્ષની તુલનામાં 441 કરોડના વધારા સાથે કેપિટલ બજેટનું કદ પણ 4562 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું છે.
અંદાજે 469 કરોડ રૂપિયાની રેવન્યુ સરપ્લસ ધરાવતાં બજેટની સાથે સાથે વધારાનું ફંડ શહેરનાં વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું. વોટર, પ્લાસ્ટિક અને કાર્બન બાદ ગ્રીન ક્રેડિટ તરફ આગળ વધી રહેલા સુરત મહાનગર પાલિકાના આગામી નાણાંકીય વર્ષના ડ્રાફ્ટ બજેટમાં પહેલી વખત રેવન્યુ આવકમાં વધારો અને રેવેન્યુ ખર્ચમાં ઘટાડા સાથે કેપિટલ ખર્ચના લક્ષ્યાંક સિદ્ધ કરવા અંગેના પેરામીટર્સ નક્કી કરવામાં આવેલ છે. જેના આધારે આ વર્ષ પૂર્ણ થયા બાદ અગ્રેસર દેખાવ કરનાર ઝોન અને વિભાગની કામગીરીનાં મુલ્યાંકન બાદ સર્વશ્રેષ્ઠ ઝોન અને વિભાગને સન્માન કરવામાં આવશે. જેને પગલે વિભાગો અને ઝોનમાં હેલ્થી કોમ્પિટીશન વધશે અને પેરામીટર્સના આધારે કામગીરી કરવા માટે પણ અધિકારીઓને પ્રોત્સાહન મળશે. ગત વર્ષની તુલનામાં 485 કરોડના વધારા સાથે આગામી ડ્રાફ્ટ બજેટમાં પહેલી વખત 5510 કરોડ રૂપિયાની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે.
આ સિવાય રાજ્યની આર્થિક રાજધાની ગણાતાં સુરત શહેરને દેશભરમાં લોજીસ્ટીક્સના ક્ષેત્રમાં મોટું ગ્રોથ હબ બનાવવા માટે સુરત ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ પ્લાન 2047 પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે અને ગ્રીન હાઉસ ગેસ એમીશન ઘટાડી એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ માટે નેટ ઝીરો એમીશન મિશનનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરમાં ટુરિઝમને પ્રોત્સાહન મળી રહે અને દેશ – વિદેશના નાગરિકો સુરતના ઐતિહાસિક વારસાની સાથે – સાથે સુરત ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટ 2047 હેઠળ નીતિ આયોન દ્વારા સુચવવામાં આવ્યા મુજબ ડિઝનીલેન્ડ થીમ પાર્ક માટે કોર્ડીનેશન અને ફેસિલિટેશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા સ્પોટ્સ સ્ટેડિમય બનાવવાની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન, ટ્રેનિંગ અને સુવિધા ઉભી કરવા માટે પણ ભાર મુકવામાં આવ્યો છે. જ્યારે ટ્રાફિકની વકરતી જતી સમસ્યાને ધ્યાને રાખીને ડ્રાફ્ટ બજેટમાં 473 કરોડના ખર્ચે 10.83 કિલોમીટરની લંબાઈના આઉટર રિંગરોડના બીજા તબક્કાની કામગીરી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેરમાં વસવાટ કરતાં નાગરિકોને નિરંતર પાણી પુરવઠો મળી રહે તે માટે તબક્કાવારના અંદાજે 2655 કરોડના પ્રોજેક્ટ્સ પૈકી આગામી વર્ષના ડ્રાફ્ટ બજેટમાં 432 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેના થકી શહેરનાં સંભવિત 97 ટકા વિસ્તારોને પાઈપ લાઈન થકી પાણી પુરવઠો ઉપલબ્ધ થશે. ભુગર્ભ જળસ્તરમાં સતત થઈ રહેલા ચિંતાજનક ઘટાડાને ધ્યાને રાખીને રિચાર્જ બોરવેલની સાથે સાથે તળાવોના વિકાસ અને ગામતળના વિકાસ માટે પણ બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. દેશભરમાં એર પોલ્યુશન કંટ્રોલમાં પહેલો નંબર મેળવનાર સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરનાં વાતાવરણમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે વધુ 300 ઈ-બસ પીએમ ઈ ડ્રાઈવે યોજના હેઠળ દોડાવવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે અને તેના માટે ખાસ ગ્રીન વ્હીકલ પોલિસીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સિવાય શહેરમાં વિવિધ ત્રણ લેક ગાર્ડનમાં હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અને ઓક્સિજન પાર્કમાં પણ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટની સાથે સાથે વિવિધ ઝોન વિસ્તારોમાં 50 મીયાવાકી ફોરેસ્ટ બનાવીને ગ્રીન કવર વધારવા પર બજેટમાં ભાર મુકવામાં આવ્યો છે.
સ્વચ્છતમથી સ્વસ્થતમ સુરત એક ડગલું આગળ વધતાં સુરત મહાનગર પાલિકાનાં 2025-26નાં ડ્રાફ્ટ બજેટમાં સ્મીમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે વિસ્તરણની સાથે – સાથે નાગરિકોને અત્યાધુનિક સારવાર – સુવિધાઓ મળી રહે તે માટે ખાસ ભાર મુકવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત સ્મીમેર હોસ્પિટલ ખાસે બોન બેંક અને ટીશ્યુ બેંકની સુવિધા ઉભી કરવામાં આવશે. જેના કારણે વિવિધ ઓપરેશન દરમિયાન જરૂરિયાત મુજબ સંગ્રહ કરેલા ટીશ્યુઓનો ઉપયોગ થઈ શકશે. સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ નંબર મેળવનાર સુરતના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃત્તિ અભિયાનના ભાગરૂપે પહેલી વખત સ્વચ્છતા સુપર લીગનું આયોજન કરવામાં આવશે. જેમાં શાળા, કોલેજો અને સોસાયટી, માર્કેટ, કોમર્શિયલ વિસ્તારોમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સ્વચ્છતા સુપર લીગનું આયોજન કરાશે.