સુરતઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને તા.૧૨મીએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી(SVNIT)નો ૨૦મો પદવીદાન સમારોહ વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે. જેમાં SVNITના ૧૨ વિદ્યાશાખાના ૧૪૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે.
આ સંદર્ભે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં SVNITના ડિરેક્ટર ડો.અનુપમ શુક્લાએ જણાવ્યું હતું કે, ૧૪૩૪ પદવીઓમાં ૧૨૬ પી.એચ.ડી., ૮૦૫ બી.ટેક., ૩૫૫ એમ.ટેક, ૧૪૮ પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. ઉપરાંત, ૨૨ વિદ્યાર્થીઓ અને ૬ વિદ્યાર્થિનીઓ મળી કુલ ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. પદવી મેળવનાર કુલ ૧૪૩૪ વિદ્યાર્થીઓ પૈકી ૨૯૩ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.
તમામ ગોલ્ડ મેડાલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાશે.માત્ર નિવાસી ઇન્સ્ટીટયુટ એવી SVNITમાં હાલ ૫૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના શૈક્ષણિક વર્ષથી બે વર્ષના MBA પ્રોગ્રામ શરૂ કરાશે એવી જાણકારી તેમણે આપી હતી.
નોંધનીય છે કે, પદવીદાન સમારોહ તા.૧૨મીએ સાંજે ૫.૦૦ વાગ્યે યોજાશે. પ્રેસ કોન્ફરન્સમાં રજિસ્ટ્રાર ડો.પ્રમોદ માથુર, એકેડેમી ડીન હિતેશ જરીવાલા સહિત અન્ય ફેકલ્ટી ઉપસ્થિત રહ્યા હતા.