બિઝનેસસુરત

ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ટેક્ષ્ટાઇલ અગત્યનું સેકટર છે : મંત્રી  પબિત્રા માર્ગેરિટા

સરસાણા ખાતે ‘સીટેક્ષ– ર૦ર૪’એકઝીબીશનનો શુભારંભ

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે  સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ભારતના રાજ્ય કક્ષાના ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટા ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે સીટેક્ષનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી શ્રી એસ.પી. વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

SGCCIના પ્રમુખ  વિજય મેવાવાલાએ ઉદ્‌ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ટેક્ષ્ટાઇલ મશીનરીના આ પ્રદર્શનથી સમગ્ર કાપડ ઉદ્યોગનો વિકાસ થાય અને દેશના જીડીપી ગ્રોથમાં ગુજરાત રિજનમાંથી મહત્વનું યોગદાન આપી શકાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સીટેક્ષ એકઝીબીશન એ કાપડની કવોલિટી અપગ્રેડ કરી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે. આખા વિશ્વને ટેક્ષ્ટાઇલ પ્રોડકટની ઉપલબ્ધતા ભારત કરાવી શકે તે માટે ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન યોજાયું છે.

ચેમ્બર પ્રમુખે ભારતના રાજ્ય કક્ષાના ટેક્ષ્ટાઇલ મંત્રી  પબિત્રા માર્ગેરિટાને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની કેટલીક મુશ્કેલીઓને નિવારવા માટે રજૂઆત કરી હતી. જેમાં મેકેનિકલ સ્ટ્રેચ યાર્ન, બાય શ્રીન્કેજ યાર્ન, હાઇ ડેનિયર પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન, લો ડેનિયર હાઇ ફિલામેન્ટ યાર્ન અને લો ડેનિયર લો ફિલામેન્ટ યાર્ન જેવા ૧૭ પ્રકારના સ્પેશ્યાલિટી યાર્ન કે જે ભારતમાં બનતા નથી અને આ યાર્ન ચાઈનાથી આયાત કરવા પડે છે એવા સ્પેશ્યાલિટી યાર્ન પર લાગેલા QCOને હટાવવામાં આવે. ભારતમાં યાર્નની ઉત્પાદકતા સામે માંગ વધારે છે, આથી આવા યાર્નની પૂર્તતા હેતુ ઉદ્યોગકારોને જરૂરી યાર્ન મળી રહે અને તેઓ આયાત કરી શકે તે માટે આવા યાર્ન પરથી પણ QCOને હટાવવામાં આવે.

તેમણે ટેક્ષ્ટાઇલ મંત્રી સમક્ષ ATUF સ્કીમને ફરીથી શરૂ કરવા માટે પણ રજૂઆત કરી હતી. ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે ડાઉન સ્ટ્રીમ, પ્રોસેસિંગ અને નીટિંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ આવવું જોઈએ એ માટે ATUF સ્કીમ કે જે એપ્રિલ ર૦રરથી બંધ કરવામાં આવી છે તેને ફરીથી શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. આ ઉપરાંત સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ ર૦ર૦થી બંધ છે એમાં પણ પાવર ટેક્ષ સ્કીમ, ગૃપ વર્કશેડ સ્કીમ, SITP સ્કીમ, IPDS સ્કીમ અને કોમ્પ્રેહેન્સીવ પાવરલુમ ડેવલપમેન્ટ સ્કીમ અત્યારે બંધ છે. આ સ્કીમથી સમગ્ર ટેક્ષટાઈલ વેલ્યુ ચેઈનમાં બધા ઉદ્યોગકારોને રાહત થતી હતી, આથી ભારતને વૈશ્વિક કક્ષાએ ઊંચાઈએ લઇ જવા માટે આ સ્કીમોને ફરીથી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

યાર્ન બેંક સ્કીમને ફરીથી શરુ કરવા માટે રજૂઆત કરી

ચેમ્બર પ્રમુખે યાર્ન બેંક સ્કીમને ફરીથી શરુ કરવા માટે પણ રજૂઆત કરી હતી. તેમણે મંત્રીને જણાવ્યું હતું કે, QCOને કારણે યાર્નના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને યાર્નની ઉપલબ્ધતામાં પણ ઘટાડો નોંધાયો છે. યાર્ન ખરીદવા નાના વીવર્સને ઘણી તકલીફ પડી રહી છે, આથી વીવર્સની મુશ્કેલીના નિવારણ માટે યાર્ન બેંક સ્કીમને ફરીથી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી હતી. તદુપરાંત ચાઇનીઝ એન્જીનિયરોને સુરત આવવા વીઝા મળવો જોઇએ તેવી વિનંતી કરી હતી.

વૈશ્વિક માર્કેટમાં ભારતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ૪ ટકા

ભારતના રાજ્ય કક્ષાના ટેક્ષ્ટાઇલ મંત્રી  પબિત્રા માર્ગેરિટાએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ચેમ્બર દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે તેનું વહેલી તકે નિવારણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રોટી, કપડા ઔર મકાન દરેક બાબતે કાપડનો ઉપયોગ થાય છે. અત્યારે વૈશ્વિક માર્કેટમાં ભારતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ૪ ટકા છે અને તેને વધારવા માટે પ્રયાસ કરવાનો છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ટેક્ષ્ટાઇલ અગત્યનું સેકટર છે. ભારત સરકાર ડાયવર્સિટી, ઇનોવેશન, એડેપ્ટેબિલિટી અને સેલ્ફ સસ્ટેનેબલ ઉપર ભાર મુકી રહી છે.

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લીવરેજ એડવાન્સ ટેકનોલોજી, સ્ટ્રેટેજીસ ટેકનિકલ સોર્સિસ, કવોલિટી અને ડિઝાઇન મહત્વનો રોલ અદા કરે છે. અત્યારે સ્ટેબલ રિસ્પોન્સીબલ અને રિફોર્મ ડબલ એન્જીનની સરકાર છે એટલે દેશમાં રોકાણ વધી રહયું છે. સરકાર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની દિશામાં કામ કરી રહી છે. મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ પર ધ્યાન કેન્દ્રિત કરાઇ રહયું છે. એના માટે આખી ઇકો સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે. સપ્લાય ચેઇન, પીએલઆઇ, નેશનલ ટેકનિકલ ટેક્ષ્ટાઇલ મીશનમાં સ્કીલીંગ ગેપને પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવી રહયો છે.

ભારતના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી શ્રી એસ.પી. વર્માએ જણાવ્યું હતું કે, ટફ સ્કીમ અંતર્ગત રૂપિયા ૩૭૦૦૦ કરોડની મશીનરી ભારતમાં ઉપલબ્ધ થઇ હતી, પરંતુ આ સ્કીમ અંતર્ગત રૂપિયા ર૭૦૦૦ કરોડની મશીનરી તો આયાત કરવામાં આવી હતી. મશીનરી મેન્યુફેકચરીંગ ભારતમાં થાય એના માટે સરકારની યોજના છે, એના માટે ઉદ્યોગ સાહસિકોને આગળ આવવાની જરૂર છે. ઇકોનોમી ઓફ ઓપરેશન્સ કરવાના છે તો બધાએ સાથે મળીને પ્રોડકશન કરવું પડશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ટેક્ષ્ટાઇલમાં રૂપિયા ર૦,૦૦૦ કરોડની મશીનરી આયાત થાય છે અને ભારતમાં રૂપિયા પ૦૦૦ કરોડની મશીનરી બને છે, આથી તેમણે મશીનરી મેન્યુફેકચરર્સ અને સરકારી તંત્ર સાથે બેસીને ચર્ચા વિચારણા કરી ભારતમાં જ મશીનરી મેન્યુફેકચરીંગની દિશામાં આગળ વધે તે માટે ઇનીશિએટીવ લેવા સુરતના ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ પણ પ્રદર્શનની વિઝીટ કરશે

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન  બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એરજેટ, વોટર જેટ, મોનો સ્પેટીંગ મશીન, ડિજિટલ પ્રિન્ટીંગ મશીન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. એર જેટ મશીન કન્વેન્શનલ લુમ કરતા ૭થી ૮ ગણું વધારે પ્રોડકશન આપે છે. એકઝીબીશનમાં જે ડિજિટલ પ્રિન્ટીંગ મશીન પ્રદર્શિત થઇ રહી છે તે ર૪ કલાકમાં ૬૦૦૦ મીટરનું પ્રોડકશન આપે છે. દેશના ૭પ શહેરોમાંથી વિઝીટર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ પણ પ્રદર્શનની વિઝીટ કરશે.

સુરત ટેક્ષમેક ફેડરેશનના ઉપ પ્રમુખ  પ્રણવ મહેતાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ  નિખિલ મદ્રાસીએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો. ચેમ્બરના સભ્ય ડો. વિજય રાદડીયાએ સમગ્ર ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ  રમેશ વઘાસિયા, ચેમ્બરના માનદ્‌ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી  મૃણાલ શુકલ, સીટેક્ષ એકઝીબીશનના ચેરમેન  સુરેશ પટેલ, પૂર્વ પ્રમુખશ્રીઓ, સુરત ટેક્ષમેક ફેડરેશનના જોઈન્ટ સેક્રેટરી શ્રી મહેન્દ્ર કુકડીયા તેમજ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો અને પ્રાયોજકો ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button