સુરત

ગ્રે કાપડની ગાંઠોનું વજન ઓછું ન થતાં કામદારો ફરીથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

ટ્રાન્સપોર્ટ ગોડાઉનોમાં માલેગાંવ, ભિવંડી, ઈરોડ અને દેશભરના અન્ય શહેરોમાંથી ગ્રે કાપડની ગાંઠો આવે છે

સુરત કડોદરા રોડ પર વાંકાનેડા અને અંત્રોલી ગામ ખાતે ગ્રે કાપડની ગાંઠોના ટ્રાન્સપોર્ટ ગોડાઉનો આવેલ છે. આ ટ્રાન્સપોર્ટ ગોડાઉનોમાં માલેગાંવ, ભિવંડી, ઈરોડ અને દેશભરના અન્ય શહેરોમાંથી ગ્રે કાપડની ગાંઠો આવે છે. આ ગાંઠોનું વજન 120 કિલોથી 150 કિલો સુધીનું હોય છે. હ્યુમન રાઈટ્સ એક્ટ અને ઈન્ટરનેશનલ મોડલ લેબર સ્ટાન્ડર્ડ્સ અનુસાર જો કોઈ પણ પુખ્ત વ્યક્તિ 50 કિલોથી વધુ વજન ઉપાડે છે તો તે તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે.

આ સિવાય ફેક્ટરી એક્ટની કલમ-34 અને ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની કલમ-11 મુજબ કામદારો પાસે વધુ પડતું વજન ઊંચકાવી નહીં શકાય જેનાથી તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે અથવા કોઈ દુર્ઘટના કે અકસ્માતની શક્યતા ઊભી થાય. આને ધ્યાનમાં રાખીને કામદાર યુનિયન, ફોસ્ટા અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે કાપડના પાર્સલોનું મહત્તમ વજન 65 કિલો નક્કી કરવામાં આવ્યું છે.

આવી સ્થિતિમાં યુનિયન દ્વારા ઉપરોક્ત ટ્રાન્સપોર્ટ ગોડાઉનોના સંચાલકોને બે વખત પત્રો મોકલી ગાંઠોનું મહત્તમ વજન 65 કિલો કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સુનાવણી ન થતાં કામદારો 2 ઓક્ટોબરના રોજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા, જે પછી તા. 3 ઓક્ટોબરે કામદાર યુનિયનનાં હોદ્દેદારો અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમજૂતી થઈ હતી અને તમામ ટ્રાન્સપોર્ટરોએ યુનિયનને લેખિત બાહેંધરી આપી હતી કે 15 ઓક્ટોબર સુધીમાં ગાંઠોનું મહત્તમ વજન 65 કિલો સુધી કરો દેવામાં આવશે, પરંતુ લેખિત બાંહેધરી આપ્યા બાદ પણ ગાંઠોનું વજન ઘટ્યું ન હતું. હવે કામદારો ફરી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા છે જેના કારણે લોડીંગ અનલોડીંગનું કામ સદંતર બંધ થઈ ગયો છે.

કામદાર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે આ હડતાલ કામદારો પાસે વધુ પડતું વજન ઊંચકાવવાના અમાનવીય અને ગેરકાયદે કૃત્ય વિરુદ્ધ શરૂ કરવામાં આવી છે. કામદારોને વિધિ વિરુદ્ધ શ્રમ કરવા દબાણ કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-146 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા યુનિયન દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનને પત્ર પણ મોકલવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button