સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦થી રર સપ્ટેમ્બર ર૦ર૪ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૪’અને તેની સાથે SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આ એકઝીબીશન ચેમ્બર ઓફ કોમર્સનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ચેમ્બર દ્વારા ‘વિવનીટ એકઝીબીશન’ થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ એકઝીબીશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવનીટ એકઝીબીશનનું થર્ડ એડીશન યોજાઇ રહયું છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વખતે વિવનીટ એકઝીબીશનની સાથે SGCCI ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્ષ્પો– ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગનું આ એક્ષ્પોમાં ડિસપ્લે કરવામાં આવશે. સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આ એકઝીબીશન મહત્વની ભૂમિકા અદા કરશે.
વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સનું પ્રદર્શન કરવામાં આવશે
વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સ (વોટર રિપેલન્ટ, એન્ટિ માઈક્રોબાયલ અને ફાયર રિટારડન્ટ)નું પ્રદર્શન કરવામાં આવશે. સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેકચરર્સ દ્વારા આ પ્રોડકટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડકટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
આ ઉપરાંત વિસ્કોસ ફીલ સાથેનું ૧૦૦ ટકા પોલી ફેબ્રિક કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રો અને ડિજિટલ પ્રિન્ટ માટે થાય છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત પોલી ફલેકસનું મિશ્રિત ફલેકસો લિનન અને પોલી લિનન લુકવાળું ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ પ્રદર્શિત કરવામાં આવશે.