સુરત પોલીસ રક્તદાન કરી જરૂરિયાતમંદોની વ્હારે આવી
પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે સુરત પોલીસ દ્વારા 'નમો કે નામ રક્તદાન કેમ્પ'નું આયોજન કરાયું

સુરત : ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અઠવાલાઈન્સના પોલીસ તાલીમ ભવન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત શહેર પોલીસ દ્વારા ‘નમો કે નામ રક્તદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ પરિવારના વિવિધ વિભાગોએ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા. કેમ્પ દરમિયાન કુલ ૭૧ યુનિટ રક્ત એકત્ર કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં પોલીસ જવાનો, મહિલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ રક્તદાન કરી જરૂરીયાંતમંદની વ્હારે આવ્યા હતા.
સુરત પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થાની જ જાળવણી નથી કરતી, પણ જ્યારે વાત લોકકલ્યાણની આવે છે ત્યારે પણ ખાખી વર્દીવાળા જવાનો આગળ આવીને નિમિત્ત બને છે. સામાન્ય રીતે ખાખી વર્દી જોતા લોકો ડર અનુભવતા હોય છે, પણ આજે સુરતના પોલીસ જવાનોને જોઈ એ ડર માનવતાની લાગણીમાં પરિણમ્યો છે.
આ પ્રસંગે એડિશનલ DG વાબાંગ જમીર, DCP ભક્તિબા ડાભી, ACP એમ.કે.રાણા, ACP મલ્હોત્રા, પીઆઈ એચ.એચ.ઘોષારા, પોલીસ હેડ કવાટર PI પી.આઈ.સૈંદાણે, સુરત આચાર્ય સંઘના કીર્તિકુમાર ગાંધી ઉપસ્થિત રહીને સહભાગી બન્યા હતા.