સ્પોર્ટ્સ
હરમિત અને માનવ વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ટેન્ડર લાગોસ, નાઈજીરિયાની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં
ગાંધીધામ: સુરતના સ્ટાર પેડલર હરમિત દેસાઈ અને માનવ ઠક્કરે દેશનું નામ રોશન કરતા શુક્રવારે ડબ્લ્યૂટીટી કન્ટેન્ડર લાગોસ, નાઈજીરિયા 2023ની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું.
વર્લ્ડ નંબર-134 હરમિતે વર્લ્ડ નંબર-73 સ્લોવાકિયાના લુબોમીર પિસ્તેજને 3-1થી હરાવી અપસેટ સર્જ્યો. હરમિતે લુબોમીરને 11-5, 13-15, 11-7, 11-6થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
વર્લ્ડ નંબર-122 માનવે પણ પોતાનું જાદૂ દેખાડતા પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. માનવે વર્લ્ડ નંબર-155 એવા નાઈજીરિયાના સ્થાનિક ખેલાડી ઓલાજીદે ઓમોટાયાને 3-1થી (11-7, 11-9, 10-12, 11-8) માત આપી હતી.
22 વર્ષીય માનવ અને હરમિત માટે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવું એ મુશ્કેલ ટાસ્ક રહેશે. કારણ કે, તેઓ અનુક્રમે વર્લ્ડ નંબર-26 એવા ચીનના ઝિયાંગ પેંગ તથા વર્લ્ડ નંબર-12 એવા જાપાનના જેંગ વુજીન સામે ટકરાશે.
માનવ-અર્ચનાની જોડી સેમિફાઈનલમાં, મેડલ નિશ્ચિત કર્યો
સિંગલ્સમાં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર માનવે મિક્સ ડબલ્સમાં અર્ચના કામથ સાથે જોડી બનાવી ડબ્લ્યૂટીટી કન્ટેન્ડર લાગોસ, નાઈજીરિયાની સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું.
વર્લ્ડ નંબર-4 એવી ભારતની આ મિક્સ્ડ ડબલ્સ જોડીએ ઈંગ્લેન્ડની વર્લ્ડ નંબર-6 જોડી ટીન-ટીન હો અને સેમ્યુઅલ વોલ્કરને 3-1 (11-6, 12-14, 11-8, 11-7)થી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં માત આપી હતી. ક્વાર્ટર ફાઈનલ માનવ અને અર્ચનાની જોડી માટે વધુ સરળ રહી અને તેમણે વર્લ્ડ નંબર-8 દિયા ચિતાલે અને એફઆર સ્નેહિતની જોડીને 3-0 (11-9, 11-3, 11-9)થી માત આપી સેમિફાઈનલમાં સ્થાન મેળવવાની સાથે મેડલ નિશ્ચિત કર્યો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ સુરતી ખેલાડીઓનાં પ્રદર્શન પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે,”હરમિત અને માનવ છેલ્લાં ઘણાં સમયથી ભારત માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. હવે તેમણે નાઈજીરિયામાં કરેલા શાનદાર પ્રદર્શન થકી આપણને ગૌરવ અપાવ્યું છે.”