
સુરત : ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ ભારત મિશન નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2023, વોટર પ્લસ અને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ, જેમાં 4320 જેટલા શહેરોએ ભાગ લીધો હતો.
ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની વેબસાઈટ(https://sbmurban.org) પર તા.05-01-2024 ના રોજ સુરત શહેરને Water+ સર્ટીફાઇડ અને ગાર્બેજ ફ્રી સીટીમાં 7-સ્ટાર જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર ભારત દેશમાં ઇન્ડોર,સુરત અને નવી મુંબઈ એમ ફક્ત ૩ શહેરોને 7-સ્ટાર રેટિંગ મળેલ છે. ગુજરાત રાજ્યમાં ફક્ત સુરત શહેરને 7 સ્ટાર રેટિંગ મળેલ છે જયારે ગુજરાતના અન્ય શહેરોને 3 સ્ટાર રેટિંગ મળેલ છે. ભારત સરકારના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રેોપદી મુર્મુ ની અધ્યક્ષતામાં તા.11-01-2024 ના રોજ ભારત મંડપમ, ન્યુ દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ-2023 ના એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મહામહિમ રાષ્ટ્રપતિશ્રી હસ્તક એવોર્ડ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાને આમંત્રણ મળેલ છે.
ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગની માર્ગદર્શિકા મુજબ કચરાનું વર્ગીકરણ, કુલ ઉત્પન્ન કચરાના પ્રોસેસિંગ માટેની ક્ષમતા, ભીના કચરાનું પ્રોસેસિંગ, સુકા કચરાનું પ્રોસેસિંગ, સી એન્ડ ડી વેસ્ટનું પ્રોસેસિંગ/રીસાયકલીંગ/રિયુઝ, સીટી બ્યુટીફીકેશન, ફોરલેન રોડ ઉપર સ્વીપર મશીન દ્વારા સફાઈ, જાહેર રસ્તા ઉપર ગ્રીનબેલ્ટ અને કચરાના પ્રોસેસિંગ બાદ પ્રોસેસ રીજેક્ટ કચરાને લેન્ડફીલ ખાતે ડમ્પિંગ વિગેરે પેરામીટર અંતર્ગત ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગના સર્વેમાં સમગ્ર ગુજરાતમાં ફક્ત સુરત શહેરને 7-સ્ટાર જાહેર કરવામાં આવેલ છે. ગતવર્ષ સુરત શહેરને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગમાં 5 સ્ટાર રેટિંગ મળેલ. સુરત શહેર દ્વારા 5 સ્ટાર થી 7 સ્ટાર માટે સીટી બ્યુટીફીકેશન, ડસ્ટ ફ્રી રોડ માટે ફોરલેન રોડ ઉપર સ્વીપર મશીન દ્વારા સફાઈ, કચરાનું પ્રોસેસિંગ, ઝીરો એન્ક્રોચમેન્ટ જેવા પેરામીટર પર ધ્યાન કેન્દ્રિત કરી સુરત શહેર દ્વારા 7 સ્ટાર રેટિંગ મેળવેલ છે.
સ્વચ્છ સર્વેક્ષણ-2023 ની માર્ગદર્શિકા મુજબ Water+ સર્ટીફીકેટ માટે ડ્રેનેજ નેટવર્ક, ડ્રેનેજ કનેક્શન, વેસ્ટ વોટરનો પુનઃ વપરાશ, શહેરના વેસ્ટ વોટરનું STP/TTP પ્લાન્ટ માં વેસ્ટ વોટરનું પ્રોસેસિંગ જેવા માપદંડના આધારે સર્વે હાથ ધરવામાં આવેલ છે. જેમાં સુરત શહેરને સતત ત્રીજા વર્ષે Water+ જાહેર કરેલ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણના સર્ટીફિકેશન ના 2500 ગુણ(7-સ્ટાર રેટીંગ 1500 ગુણ અને Water+ 1000 ગુણ) મેળવવામાં આવેલ છે. સર્વેક્ષણના બાકી રહેલ 7000 ગુણના આધારે સ્વચ્છ સર્વેક્ષણ-ર૦ર3 નેશનલ રેન્કિગ તા.11-01-2024 ના રોજ ભારત મંડપમ, ન્યુ દિલ્હી ખાતે જાહેર કરવામાં આવનાર છે.