સુરતે હવે ટ્રાફિક પાલનમાં પણ નંબર વન થવાનું છે : પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત
સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોતના હસ્તે SGCCIના સ્ટાફ કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ

સુરતઃ સુરત શહેર ટ્રાફિક પોલીસ તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે સોમવાર, તા. ૧૭ ફેબ્રુઆરી, ર૦રપના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંહતિ, સરસાણા ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના માનનીય પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા અને તેમના વરદ્ હસ્તે ચેમ્બર ઓફ કોમર્સના સ્ટાફ કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં પરિવારનું આર્થિક ભરણપોષણ કરનાર વ્યકિત આખા પરિવાર માટે કેટલી અગત્યની હોય છે તેનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ અકસ્માતોમાં વ્યકિતનો જીવ બચાવવા માટે હેલ્મેટના મહત્વ વિષે તેમણે માહિતી આપી હતી. તેમણે ચેમ્બરના દરેક સ્ટાફ કર્મચારીને મોટરસાયકલ પર હેલ્મેટ પહેરવા તેમજ સુરત શહેરને એકસીડેન્ટ ફ્રી ઝોન બનાવવા માટે અનુરોધ કર્યો હતો.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે, સુરત શહેર તથા ઉદ્યોગ – ધંધાઓના વિકાસ માટે ચેમ્બર ઓફ કોમર્સનું પ્રાંગણ ખૂબ જ મહત્વનું રહયું છે. મોટરસાયકલ પર હેલ્મેટ પહેરવું એ પોતાની તથા પરિવારની સલામતી માટે જરૂરી છે. સુરત પોલીસનો આ પ્રયાસ લોકોને પેનલ્ટી કરવા માટેનો નહીં પણ તેઓની સુરક્ષા માટેનો છે. સુરત સ્વચ્છતા મામલે તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિત ઘણી બધી બાબતે નંબર વન છે, એવી રીતે સુરત શહેરે ટ્રાફિક પાલનમાં પણ નંબર વન થવાનું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતો દરમ્યાન હેલ્મેટ જીવનને સુરક્ષિત રાખે છે. મોટા ભાગે અકસ્માતોમાં વાહનચાલકને માથામાં થયેલી ગંભીર ઇજાને કારણે તેઓનું મોત થયું હોવાની બાબત સામે આવી છે, ત્યારે લોકોની રક્ષા કાજે ખડેપગે રહેતી સુરત શહેર પોલીસ દ્વારા ૧પમી ફેબ્રુઆરી, ર૦રપથી મોટરસાયકલ પર હેલ્મેટ પહેરવું ફરજિયાત કર્યું છે.
ચેમ્બરના માનદ્ મંત્રી નિરવ માંડલેવાલાએ હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી મૃણાલ શુકલ, ગૃપ ચેરમેનો તથા સ્ટાફના કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.