સુરત : પુણા જનસેવા કેન્દ્રમાં એક દિવસમાં ૧૨૪૦ અરજદારો વિવિધ પ્રકારના દાખલાઓ કાઢી આપવામાં આવ્યા
લોકોને સમયસર દાખલાઓ મળી રહે તે માટે કર્મયોગીઓએ ૨૦ કલાક ફરજ બજાવી

સુરત: ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે અરજદારોના ધસારાના પહોચી વળવા માટે સુરત શહેરના પુણા મામલતદારની કચેરીના બન્ને જનસેવા કેન્દ્રો રાત-દિવસ કામગીરી કરીને જનસેવા એજ પ્રભુસેવાની ઉકતીને સાચા અર્થમાં સાકારિત કરી રહ્યા છે.
પુણા મામલતદાર કચેરી દ્વારા હંગામી ધોરણે પુણાગામ તલાટીની કચેરી ખાતે કાર્યરત કરવામાં આવેલા જનસેવા કેન્દ્રમાં સવારે ૭.૦૦ થી રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી ચાલુ રહીને કામગીરી કરવામાં આવી રહી છે. ગત તા.૨૯મીના રોજ કર્મયોગીઓએ રાત્રે ૩.૦૦ વાગ્યા સુધી કામગીરી કરી એક જ દિવસમાં ૧૨૪૦ અરજદારોને દાખલાઓ કાઢી આપવાની ગૌરવપુર્ણ કામગીરી કરી હતી. આમ પુણા જનસેવા કેન્દ્રમાં જનસુવિધા અર્થે અધિકારી-કર્મયોગીઓ ૨૦ કલાક ફરજ બજાવીને લોકોને સમયસર વિવિધપ્રકારના દાખલાઓ મળી રહે તે માટે ફરજ બજાવી હતી.
નોંધનીય છે કે, પુણાના બન્ને જનસેવા કેન્દ્ર ખાતે દાખલાની કામગીરીને પહોચી વળવા માટે તંત્ર દ્વારા દિવસ-રાત એક કરીને લોકોને સમયસર દાખલાઓ આપવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રોમાં ૯- ૯ કલાકની શિફ્ટમાં બે નાયબ મામલતદાર, બે તલાટીઓ તથા ૪-ઓપરેટરો મળી કુલ ૧૭ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.