સુરત

‘સન્ડે ઓન સાયકલ’: રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સાયક્લોથોન યોજાઈ

પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ૧૫૦૦થી વધુ સાયક્લિસ્ટોએ ભરવરસાદમાં ૧૩ કિલોમીટર સાયકલ ચલાવી ‘ફિટ ઈન્ડિયા’નો સંદેશો આપ્યો

સુરત:  ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ‘સન્ડે ઓન સાયકલ’ સાયક્લોથોન યોજાઈ હતી, જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું. સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત-ગુજરાત’ ના સંદેશ સાથે સુરતીઓએ વહેલી સવારે ભરવરસાદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ‘Y’ જંક્શન થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની ૧૩ કિલોમીટર સાયક્લોથોનમાં ૧૫૦૦થી વધુ સાયક્લિસ્ટોએ ‘ફિટ ઈન્ડિયા’નો સંદેશો પાઠવ્યો હતો. સાયક્લોથોનમાં નાગરિકોએ, યુવાનો અને અધિકારીઓએ દૈનિક જીવનમાં કસરતને અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

જિલ્લા ક્લેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સહિત પોલીસ અધિકારીએ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી.

નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને સાયકલિંગના અનેક ફાયદાને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલી સાયક્લોથોનમાં જોડાયેલા સૌએ ફિટ ઈન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી. સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ, મનપા તેમજ પોલીસ અધિકારીઓ, પદાધિકારી-અધિકારીઓ, બાળકો, વડીલો, યોગપ્રેમીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત સાયક્લિસ્ટો સાયક્લોથોનમાં જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button