ગુજરાતસુરત

ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂતની હળદરની સફળ ખેતી: હળદરના મૂલ્યવર્ધનથી લાખ્ખોની કમાણી

ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ: નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ બન્યા

સુરત:  ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂત મનજીભાઈ ચૌધરીએ પિતાની પરંપરાગત ખેતી અપનાવીને હળદરની ખેતીમાં સફળતા હાંસલ કરી છે. ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર મનજીભાઈને નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ બન્યા છે. તેઓ હળદરની ખેતી અને તેનું મૂલ્યવર્ધન કરી આત્મનિર્ભર બન્યા છે તેમજ ત્રણેય દીકરીઓને બી.એડ, B. Sc. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યા છે.

૫૩ વર્ષીય ખેડૂત મનજીભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, પિતાની વર્ષોજૂની પરંપરાગત ખેતીને ધ્યાનથી જોઈ છે અને ખેતીકામ કરતા કરતા પ્રગતિશીલ અને મૂલ્યવર્ધિત ખેતીમાં રસ પડવા લાગ્યો. સમય સાથે પરિવર્તન લાવી ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવાનું શરૂ કર્યું. પર્યાવરણ સાથે વધુ સુસંગત ખેતી પ્રણાલીઓ અપનાવી, જેમ કે ઓર્ગેનિક ખેતી, ટપકસિંચાઈ, વોટર હાર્વેસ્ટીંગ અને મલ્ચિંગ જેવા અભિગમને અનુસરીને આધુનિક ખેતી કરૂ છું. રાસાયણિક ખેતી સરખામણીએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને ભાવ પણ સારા આવે છે. માર્કેટમાં વેચાણ પણ તરત જ થઈ જાય છે.

મનજીભાઈએ કહ્યું હતું કે, રાસાયણિક પદ્ધતિથી અગાઉ મગફળી વાવતા ત્યારે ઉત્પાદન ઓછું અને ખર્ચ વધુ થતો હતો. પણ જ્યારથી જીવામૃત, ઘનજીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી ઉત્પાદન વધ્યું છે. છેલ્લા ૫-૬ વર્ષથી હળદરનું વાવેતર કરીએ છીએ. ગત વર્ષે ૫૦ મણ હળદરનું વાવી હતી. જેમાં અઢી લાખની આવક મળી હતી. અગાઉ કિલો દીઠ ૧૦૦થી ૧૫૦માં વેચાણ થતું, પણ પ્રાકૃતિક કરતા થયા ત્યારથી ૩૦૦થી ૩૫૦નો ભાવ મળે છે. સરકારના સહયોગથી વિવિધ તાલીમ કેન્દ્રો પર પ્રેરણા પ્રવાસમાં જઈએ છીએ. જ્યાંથી નવી નવી ટેકનિક્સનો અભ્યાસ કરીને ખેતીને ઉન્નત બનાવવામાં અમલ કરીએ છીએ.

તેમણે કહ્યું કે, દર મહિને સરકાર તરફથી દેશી ગાય નિભાવ ખર્ચ પણ મળે છે, જેથી પશુપાલનનો ખર્ચમાં પણ આર્થિક આધાર મળે છે. ખેતરમાં વધારાની જગ્યામાં સરગવા તેમજ તોતાપુરી, રાજાપુરી અને કેસરના ૨૦થી ૨૫ આંબાનું વાવેતર કર્યું છે. વગર ખર્ચે સરગવા તૈયાર થાય છે અને સારૂ એવું ઉત્પાદન મળે છે. પ્રાકૃતિક ખેતી શરૂ કરી ત્યાર પછી ખેતરમાં ક્યારેય દવા કે રાસાયણિક ખાતર ઉપયોગ કર્યો નથી. ખેતરેથી કેરીનું સારા ભાવે વેચાણ થઈ જાય છે, જેથી માર્કેટ સુધી પણ જવું નથી પડતું. સાથે ફળ-ફળાદિમાં ચીકુ, જમરૂખ, કેળા સહિત શેરડીનું વાવેતર કરીને સિઝનમાં વધારાની આવક પણ મળે છે.

હળદરને GI ટેગ મળવાથી તેની ગુણવત્તા અને કૃષિમૂલ્યને માન્યતા મળી છે. ભારત સરકારે હળદર અને તેની બનાવટોના વિકાસ, માર્કેટિંગ માટે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી છે જે હળદરની નિકાસમાં મદદરૂપ થશે એની ખુશી વ્યક્ત કરતા મનજીભાઈએ અન્ય ખેડૂત મિત્રોને થોડી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને ઝેર વિનાની શુદ્ધ ખેતી કરવાનો આગ્રહ કર્યો હતો. રાસાયણિક ખાતરને તિલાંજલિ આપીને પ્રાકૃતિક તરફ પાછા જવાનો એક માત્ર વિકલ્પ રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button