સુરત: જન કલ્યાણને સર્વોપરિ રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં થતાં રૂ. ૮ થી ૧૦ લાખના ઓપરેશન ખર્ચના સ્થાને રાજ્ય સરકારની સહાયથી વિનામૂલ્યે સફળ સારવાર કરાઇ.
સુરતના ઓલપાડ તાલુકાના સતિશકુમાર પટેલનો પાંચ વર્ષનો દિકરો તસ્મય જન્મથી જ મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) અને કામરેજ તાલુકાના નનસાડ ગામના યોગેશભાઇ જગદાલેની બે વર્ષની દિકરી સારાંશીને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થકી ‘વાણી-શ્રવણ’નું સુખ મળ્યું છે. સુરત શહેરના વરિયાળી બજાર, ધાસ્તિપુરા ખાતે રહેતા રાહુલભાઈ રાઠોડનો ૫ વર્ષીય દિકરાની સર્જરી કરવામાં આવી છે. સુરત સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી ત્રણેય બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરી છે.
સારાંશી, અંશ અને તસ્મયના પરિવારે પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા આશરે ૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. જે આ મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે પોષાય તેમ ન હતું. પરંતુ ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ તેમના માટે આશીર્વાદરૂપ બન્યો અને સુરતની નવી સિવિલ તજજ્ઞ તબીબોએ આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
‘નવી સિવિલમાં સફળ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’માં સુરત સિવિલના ENT વિભાગના વડા ડૉ.જૈમિન કોન્ટ્રાકટર, ડો.ગુણવંત પરમાર દાંત વિભાગના વડા, આર.એમ.ઓ.ડૉ કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, સહિત નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.