સુરત

સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં જમીન સંપાદિત કરી નવા સબ સ્ટેશન નાંખવા માટે રાજ્યના ઉર્જા મંત્રીને ચેમ્બરની રજૂઆત

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના ઉર્જા, કૃષિ અને પેટ્રો કેમિકલ્સ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલને સુરત જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં જમીન સંપાદિત કરીને નવા સબ સ્ટેશન નાંખવા માટે તેમજ ડીજીવીસીએલ અને જેટકો વચ્ચેના સંકલનના અભાવે રૂંધાઈ રહેલા ઔદ્યોગિક વિકાસને રૂંધાવાથી બચાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણા વખતથી સુરત જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર જેવા કે કીમ–પીપોદરા, મોટા બોરાસરા, લસકાણા, પલસાણા, સચિન, સાયણ વગેરે વિસ્તારોમાં ખૂબ મોટા પાયા પર ઔદ્યોગિક વિકાસ થઇ રહયો છે. આ તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં જે સબ સ્ટેશનોમાંથી વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે તમામ સબ સ્ટેશનોની ક્ષમતા પૂર્ણ થઇ ગઈ હોવાથી જે કોઈ પણ વેપારીઓએ આ વિસ્તારમાં પોતાના ઉદ્યોગ સ્થાપેલ હોય અને તેનું વિસ્તરણ કરવા માંગતા હોય તો તેને પાવર સપ્લાય મળતો નથી. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતનો ઔદ્યોગિક વિકાસ રૂંધાઈ રહયો છે.

આ બાબતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને જ્યારે પણ વાકેફ કરવામાં આવે છે ત્યારે તેઓ આ બાબત ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ને લગતી હોઇ જેટકો પર ઢોળી દેવામાં આવે છે અને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઈપણ ડિસ્ટ્રીબ્યુશન એરિયામાં ડિમાન્ડ સપ્લાયનો અંદાજ મેળવવાની જવાબદારી ડિસ્ટ્રીબ્યુશન કંપનીની હોય છે તથા હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા રાઈટ્‌સ ઓફ કન્ઝયુમર એકટ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા તેના ગ્રાહક જ્યારે પણ પાવર સપ્લાય માંગે તો તેને ટૂંક જ સમયમાં આપવાની જોગવાઈ કરવામાં આવી છે તેમ છતાં પણ ડીજીવીસીએલ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

હાલમાં જ GETCO દ્વારા તડકેશ્વરમાં ૬૬ કે.વી.નું સબ સ્ટેશન નાંખવામાં આવ્યું છે, પરંતુ તે ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ની જમીન પર નાંખવામાં આવ્યું છે અને જીએમડીસી દ્વારા આ સબ સ્ટેશનમાંથી લાઈન ખેંચવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. આ ઉપરાંત કેટલીક કંપનીઓને એવો પણ જવાબ આપવામાં આવે છે કે તેઓને વધારાનો લોડ ત્યારે જ ઉપલબ્ધ થઇ શકે જ્યારે આ વિસ્તારમાં આવેલી અન્ય કંપનીઓ પોતાનો લોડ ૧૧ કેવીથી વધારીને ૬૬ કેવી પર લઇ જશે. ભારતના પ્રધાનમંત્રી દ્વારા સતત આર્થિક પ્રગતિના નવા લક્ષ્યાંકો દેશવાસીઓને આપવામાં આવી રહયા છે તે સંજોગોમાં ડીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓનું વર્તન દેશના આર્થિક વિકાસને નીચે લઇ જવા તરફ પ્રયાસ કરી રહયું છે.

હાલ સુરત જિલ્લામાં મોટા ભાગના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા ૬૬ કેવીના સબ સ્ટેશન તેની પૂર્ણ ક્ષમતાને ક્રોસ કરી ગયા હોઇ નવા સબ સ્ટેશનની તાત્કાલિક જરૂર ઉભી થઇ છે. જો આ સબ સ્ટેશનો તાત્કાલિક ધોરણે નહીં નાંખવામાં આવે તો તેનું ઘણું મોટું નુકસાન રાજ્યના ઔદ્યોગિક વિકાસ પર પડવાની શકયતાને નકારી શકાય તેમ નથી. આથી ડીજીવીસીએલ અને જેટકો સાથે સંકલન કરી ડિમાન્ડ સપ્લાય પ્રમાણે જે કોઈપણ ઔદ્યોગિક વિસ્તારમાં સબ સ્ટેશનની કેપેસીટી ઓછી પડતી હોય ત્યાં નવું સબ સ્ટેશન નાંખવા માટેની જમીન તાત્કાલિક ધોરણે સંપાદિત કરવામાં આવે અને નવા સબ સ્ટેશનોનો ઉમેરો કરવામાં આવે તેવો અનુરોધ મંત્રીને કરવામાં આવ્યો છે.

સાથે જ સંકલન માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ડીજીવીસીએલ અને જેટકોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક સંકલન મિટીંગનું આયોજન કરવામાં આવે તેમજ તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિર્ણયાત્મક પગલા લેવા માટે ઉર્જા મંત્રીને વિનંતી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button