સુરત : કાર્લ લેન્ડસ્ટેઇનરના સન્માનમાં તા.૧૪મી જૂને વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થઈ હતી. આ વર્ષની વિશ્વ રક્તદાન દિવસની થીમ ‘ગીવ બ્લડ, ગીવ પ્લાઝ્મા, શેર લાઈફ, શેર ઓફન’ છે, ત્યારે સુરતના આવા જ એક શિક્ષક રક્તદાતા શ્રીધરભાઈ કોન્ટ્રાક્ટર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
રક્તદાતા શ્રીધરભાઈએ જણાવ્યું કે, ૨૦૦૫માં પિતાને એક સાથે આઠ યુનિટ જરૂર પડતા રક્તનું સાચું મૂલ્ય જાણવા મળ્યું, ત્યારપછી સુરતની વિવિધ બ્લડ બેન્કમાં અને રક્તદાન કેમ્પમાં અત્યાર સુધી ૨૦૬ વાર સિંગલ ડોનર પ્લેટલેટ્સ, આઠ વાર પ્લાઝમા અને ૨૫ વખત રક્તદાન કર્યું છે. સિંગલ ડોનર પ્લેટલેટ્સ એ આપણી મરજી મુજબના સમયે આપી શકતા નથી, એટલે જે તે બ્લડ બેંકમાં સ્વૈચ્છિક રક્તદાન માટે દાતાએ નામ નોંધણી કરાવવી જોઈએ.
શ્રીધરભાઈએ વધુમાં કહ્યું હતું કે, શિક્ષક હોવાના નાતે વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેતા હોવાથી કોલેજ ટ્યુશનના વિદ્યાર્થીઓ પ્રેરિત થઈને રક્તદાન કરી રહ્યા છે. રક્તદાનમાં કેટલીક વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ છે. રક્તની સાથે સિંગલ ડોનર ફ્લેટ્સના દાતાઓએ સમયાંતરે ડોનેટ કરતું રહેવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.