
સુરત : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરત અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-સુરતના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અડાજણના પ્રમુખસ્વામી સભાગૃહમાં શિક્ષકોની સજ્જતા માટેનો વિશેષ સેમિનાર ‘AI ફોર એજ્યુકેટર્સ: શેપિંગ ટુમોરો’સ લર્નિંગ’ યોજાયો હતો, જેમાં શહેરની સ્વનિર્ભર શાળાઓના ૪૦૦૦ થી વધુ શિક્ષકો અને ૩૦૦ થી વધુ સંચાલકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષણમાં ક્રાંતિ અને ઉન્નતિ માટે AI ના સકારાત્મક ઉપયોગ વિષે તલસ્પર્શી સમજ મેળવી હતી.
તમામ શિક્ષકોએ પોતાના શિક્ષણને નવી ટેકનોલોજી સાથે વધુ પ્રભાવશાળી, વિદ્યાર્થીલક્ષી અને સુલભ બનાવીને વિદ્યાર્થીઓને વધુ સક્ષમ- કાર્યક્ષમ બનાવી શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવા તેમજ નવા યુગના શિક્ષણમાં ટેક્નોલોજી અને માનવ મૂલ્યો વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે વિવિધ શાળાના સંચાલકો, શિક્ષકો અને શિક્ષણવિદોએ સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આધુનિક યુગમાં શિક્ષણ પદ્ધતિમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) દ્વારા શિક્ષણ વધુ અસરકારક, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બની રહ્યું છે. આ જ પરિપ્રેક્ષ્યમાં પાલનપુર જિલ્લાના શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી અને ટીમે શિક્ષકોને AI આધારિત શિક્ષણ સાધનો, શૈક્ષણિક એપ્લિકેશન્સ, અને નવીન પદ્ધતિઓ વિશે પ્રાયોગિક જાણકારી આપી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, શિક્ષણક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક અદભૂત ક્રાંતિરૂપ છે, જેના યોગ્ય ઉપયોગથી વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન સાથે ભવિષ્ય માટે વધુ સજ્જ કરી શકાય છે. ડિજિટલ યુગમાં શિક્ષણનો આધાર માત્ર પુસ્તક કે બોર્ડ સુધી સીમિત નથી રહ્યો. AI દ્વારા શિક્ષણ એક એવી તકનીક છે જે શિક્ષણને સર્વાંગી બનાવે છે અને દરેક વિદ્યાર્થી સુધી યોગ્ય રીતે પહોંચાડે છે.
તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષકોએ AI જેવા નવા યુગના સંસાધનો સાથે તાલમેલ સાધવો આવશ્યક છે, કારણ કે શિક્ષક જ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના મૂળ પ્રેરક છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ પહેલોની ચર્ચા કરીને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવા કાર્યક્રમો શિક્ષકોની અભ્યાસ કામગીરીને વધુ ઊંચાઈ બક્ષી નવી દિશા આપશે.
જિલ્લા શિક્ષણાધિકારી ડો ભગીરથસિંહ પરમારે શિક્ષણમાં AI ના નવા ઉપાયો, વર્ગખંડમાં સ્માર્ટ ટૂલ્સ, શિક્ષકો માટે ડિજિટલ સજ્જતા અને એ.આઈ. ભવિષ્યના અભ્યાસક્રમની દિશા બદલશે એ સંદર્ભે ઉપયોગી વિગતો આપી હતી અને એ.આઈ. એ પડકાર નથી પણ નવા યુગમાં બદલાતી જતી જ્ઞાન પ્રણાલી છે, જે શિક્ષણના સ્તરને ઉન્નત બનાવશે એમ જણાવ્યું હતું.
.
સેમિનારમાં આ પાસાઓની સમજ અપાઈ:
🔹 શિક્ષણમાં AI નો ઉપયોગ અને તેનો વ્યાપ
🔹 શિક્ષકો માટે નવીન ટેક-ટૂલ્સનું પરિચય
🔹 AI દ્વારા વ્યક્તિગત અભ્યાસક્રમની રચના
🔹 ભવિષ્યનું શિક્ષણ: પડકારો અને તક