સુરત ટેનિસ ક્લબ માં મહાકુંભ અમૃત સ્નાનનું વિશેષ આયોજન
સુરત ટેનિસ ક્લબ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શહેરીજનો ઉપર મહા કુંભના પવિત્ર ગંગાજળ થી છંટકાવ કરવામાં આવશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમ માં આધ્યાત્મિક પર્વ મહાકુંભનું 144 વર્ષ પછી આયોજન થઈ રહ્યું છે. સમગ્ર દેશમાંથી અત્યાર સુધી 60 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભમાં પવિત્ર સ્નાનનો લાભ લીધો છે. સુરતના ઘણા ભક્તો સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો કોઈ કારણસર મહાકુંભ પ્રયાગરાજ ખાતે જઈ શકતા નથી તેમના માટે સુરત ટેનિસ ક્લબ ખાતે આગામી 25 અને મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:00 થી રાત્રે 10 વાગ્યા સુધી મહાકુંભ નો દિવ્ય અનુભવ કરવામાં આવશે અને ભક્તો ઉપર પવિત્ર ગંગાજળ થી છંટકાવ કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંગે સુરત ટેનિસ ક્લબના અધ્યક્ષ મનીષ પટેલે જણાવ્યું હતું કે સુરત ટેનિસ ક્લબ ની કમિટી અને સભ્યો દ્વારા પ્રયાગરાજ થી ગંગા યમુના અને સરસ્વતી માતાના ત્રિવેણી સંગમ સ્થળ પ્રયાગરાજ થી 500 લીટર જેટલું પવિત્ર જળ લાવવામાં આવ્યું છે. સુરત ટેનિસ ક્લબ દ્વારા આમંત્રિત અતિથિઓ, ક્લબના સભ્યો અને તેમના અતિથિઓ ઉપરાંત શહેરીજનો પણ આ ધાર્મિક આયોજનનો લાભ લઈ શકશે.
સુરત ટેનીસ ક્લબના સેક્રેટરી મયંકભાઇ દેસાઈએ આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત ટેનિસ ક્લબ ખાતે કૈલાશ માન સરોવર તથા શિવજીના 12 જ્યોતિર્લિંગ નું ભવ્ય ડેકોરેશન નો અનુભવ ભક્તોને અહીં થશે.શિવજીની વિવિધ આકૃતિઓ અને દિવ્ય ચિત્રકામ તથા ઘીના કમળ થી અહીં દિવ્ય શિવ ભક્તિમય વાતાવરણ ઊભો કરવામાં આવ્યું છે.
જેમાં છ ફુટના શિવલિંગ, આઠ ફૂટનો નંદી મહારાજ, પવિત્ર ગુફા, ત્રિશુલ, ડમરુ ધારણ કરેલ શિવજીની પ્રતિકૃતિ અહીં લાવવામાં આવી છે.
ઉજ્જૈન થી મહાકાલ મંદિરની ભસ્મ સાથે અઘોરી નૃત્ય કરનારા 10 કલાકારોની ટીમ ને પણ બોલાવવામાં આવી છે. આ કલાકારો અઘોરી નૃત્ય અને સંગીત સાથે શાસ્ત્રીય નૃત્ય દ્વારા શિવ તત્વની અનુભૂતિ કરાવશે.
આ ધાર્મિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાઓ ને વૃદ્ધો જે પ્રયાગરાજ જઈ શકતા નથી તેઓ આ ધાર્મિક આયોજનનો લાભ લે તેવા પ્રયાસો છે. આવા કાર્યક્રમ થકી સુરત ટેનીસ ક્લબ દ્વારા ધાર્મિક ધરોહર જીવંત રાખવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સુરત ટેનિસ ક્લબ ના અધ્યક્ષ મનિષભાઈ પટેલ, ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પાટીલ, અને સેક્રેટરી મયંકભાઈ દેસાઈ દ્વારા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, સાંસદ મુકેશભાઈ દલાલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત ના મંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સહિત સુરતના તમામ ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો, અધિકારીઓ વિવિધ સંસ્થાઓ ના અગ્રણીઓ તેમજ શહેરીજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
અતિથિઓ માટે અહીં વેલે પાર્કિંગની વ્યવસ્થાપન કરવામાં આવી છે.