
નવી દિલ્હી ખાતે ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) દ્વારા આયોજિત 13th Innovation With Impact Awards સમારંભમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ને ચાર પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી છે. એવોર્ડ્સની વિગત નીચે મુજબ છે:
1. Innovation with Impact – General : પ્રથમ ક્રમ
2. Efficient Operations : તૃતીય ક્રમ
3. Quality of Services and Customer Empowerment : પ્રથમ ક્રમ
4. Quality of Services and Customer Empowerment : Champion Award
દેશભરના વિવિધ રાજ્યોની ખાનગી તેમજ સરકારી વીજ વિતરણ કંપનીઓ વચ્ચેની સ્પર્ધામાં આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન મેળવવું દક્ષિણ ગુજરાત વીજ કંપની માટે અત્યંત ગૌરવની બાબત છે. આ પ્રસંગે, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી મુખ્ય ઇજનેર શ્રી એમ. જી. સુરતી અને વિશેષ મુખ્ય ઇજનેર એન. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને એવોર્ડ્સ સ્વીકાર્યા હતા.
મુખ્ય ઇજનેરશ્રીએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ DGVCL ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ ચૌધરી (IAS) ના દુરંદેશી નેતૃત્વ અને તમામ અધિકારીઓ તથા કર્મચારીઓના સમર્પિત પ્રયત્નોનું પરિણામ છે. તે સાથે જ પેરેન્ટ કંપની GUVNL, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, અને ઊર્જા મંત્રાલય, ગુજરાત સરકારના સતત માર્ગદર્શન અને સહકારનો પણ એટલો જ ફાળો છે.
આ અવસરે DGVCL ના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરી (IAS) એ કંપનીના લાઇન સ્ટાફથી લઈને ચીફ ઇજનેર સુધી, તેમજ ફિલ્ડ અને વહીવટી વિભાગોના તમામ કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખાસ કરીને કંપનીના માનવંતા વીજગ્રાહકોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે — આ રાષ્ટ્રીય પ્રશંસા અમને વધુ ઉત્સાહ અને પ્રેરણા આપે છે કે અમે અમારી કામગીરીમાં સતત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીએ અને ગ્રાહકોને સર્વોત્તમ સેવા પૂરી પાડીએ.



