સોલેક્સ એનર્જીએ “વેલેન્ટાઇન ડે” ના અવસરે હેલ્મેટ વિતરણ અભિયાન સાથે પ્રેમ અને સલામતીનો સંદેશ આપ્યો
"સુરત પોલીસના પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. વ્યક્તિ સુરક્ષિત તો પરિવાર પણ સુરક્ષિત. અમે દરેક નાગરિકને હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરવા અપીલ કરીએ છીએ" : ચેતન શાહ

સુરત, 14 ફેબ્રુઆરી, 2025 : ભારતની વિશ્વસનીય સોલાર બ્રાન્ડ્સમાંની એક સુરતની સોલેક્સ એનર્જી લિમિટેડ (NSE: SOLEX) કંપનીએ પ્રેમ અને લાગણીના પ્રતીક “વેલેન્ટાઇન ડે” ના અવસરે પોતાના કર્મચારીઓ, મિડિયાકર્મીઓ અને જનતા માટે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક રીતે માર્ગ સલામતી અને જવાબદાર મુસાફરીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સોલેક્સ એનર્જી દ્વારા “તમારા પ્રિયજનો માટે એક આદર્શ ભેટ, તેમના જીવનની કાળજી રાખો” શિર્ષક હેઠળ શરૂ કરવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ માર્ગ સુરક્ષા-સલામતીને પ્રોત્સાહન આપવાનો છે. આ જનજાગૃતિ અભિયાન, સુરત પોલીસ દ્વારા 15 ફેબ્રુઆરી 2025 થી હેલ્મેટ ફરજિયાત કરવા માટે કરવામાં આવી રહેલા કડક અમલના પ્રયાસોને સમર્થન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર IPS અનુપમ સિંહ ગેહલોત, અતિથિ વિશેષ તરીકે જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) અને ટ્રાફિક IPS રાઘવેન્દ્ર વત્સ, DCP અમિતા વાનાણી(ટ્રાફિક), એસીપી સાહિલજી ટંડેલ, સોલેક્સ એનર્જી ડિરેક્ટર અનિલ રાઠી, સોલેક્સ એનર્જી ડિરેક્ટર વિપુલ શાહ, કિરણ શાહ (ડિરેક્ટર, સોલેક્સ એનર્જી) સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. “હેલ્મેટ ઓન, લવ સ્ટ્રોંગ, સેફ્ટી ફર્સ્ટ, ઓલવેઝ” ( હેલ્મેટ પહેરો, પ્રેમ-લાગણીને મજબૂત બનાવો, હંમેશા સલામતીને પ્રાથમિકતા આપો) ની થીમ આધારિત આ ઈવેન્ટમાં તેમણે માર્ગ સુરક્ષા અને જવાબદાર મુસાફરીના મહત્વ પર ભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સોલેક્સ એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચેતન શાહે જણાવ્યું હતું કે,”સોલેક્સમાં, અમે માનીએ છીએ કે, કર્મચારીઓ પ્રત્યેનો પ્રેમ માત્ર કાર્યસ્થળ સુધી સીમિત હોતો નથી. તેમનું કલ્યાણ અને વિકાસ અમારી પ્રાથમિકતા છે. માર્ગ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે સમગ્ર પરિવારની હાલત કફોડી થઈ જાય છે. વ્યક્તિ સુરક્ષિત રહે તો પરિવાર પણ સુરક્ષિત રહેશે. માર્ગ સલામતી દરેકની જવાબદારી છે અને હેલ્મેટ વિતરણ દ્વારા અમે સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ.
આજે આપણે પ્રેમના પ્રતીકનો તહેવાર ઉજવી રહ્યા છીએ પણ આ સાથે જ 14 ફેબ્રુઆરી, 2019 ના પુલવામા હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને પણ યાદ કરીએ છીએ. તેમની શહાદત આપણને જીવનનું મૂલ્ય અને તેને સુરક્ષિત રાખવાની આપણી જવાબદારીનું મહત્વ સમજાવે છે. સુરત પોલીસના પ્રયાસો થકી શહેરના લોકોમાં ટ્રાફિક સિગ્નલના પાલન અંગેની સભાનતા કેળવાઈ છે, જે ખરેખર પ્રશંસનીય છે. સલામતી માટે દરેક વાહનચાલકે હેલ્મેટ પહેરવું જોઈએ. અમે દરેક નાગરિકને હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરવા અપીલ કરીએ છીએ.”
સુરત પોલીસ કમિશનર, શ્રી અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ” આજના દિવસે આપણે શહીદોના બલિદાનને યાદ કરીએ છીએ. તે ઉપરાંત એકબીજા પ્રત્યે પ્રેમની લાગણીને પણ યાદ કરીએ છીએ. માર્ગ સલામતી આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. હેલ્મેટ પહેરવું, એ જીવ બચાવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. આ માત્ર કાયદાના પાલનની વાત નથી, પણ સાથે-સાથે જીવનનું રક્ષણ કરવાનું મહત્વપૂર્ણ પગલું પણ છે. અમે તમારા જીવનની પરવાહ કરીએ છીએ તમે પણ તમારા પરિવારની પરવાહ કરો. હું તમામ લોકોને હેલ્મેટ પહેરવાની ટેવ કેળવવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જવાબદાર વાહનચાલક બનવા અપીલ કરું છું. વાહનચાલકોએ પોતાની અને પરિવારની સલામતી માટે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ચોક્કસપણે, આપણે સાથે મળીને રસ્તાઓને સલામત બનાવી શકીશું
આ ખરેખર, એક ગંભીર વાસ્તવિકતા છે કે, વર્ષ 2024માં ગુજરાતમાં 300 થી વધુ માર્ગ અકસ્માતો થયા હતા. સુરત પોલીસે હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમ પર વધુ કડકાઇથી અમલ કરવાનો નિર્ણય લીધો છે. સોલેક્સ એનર્જી આ પહેલને સંપૂર્ણ ટેકો આપે છે અને બધા ટુ-વ્હીલર ચાલકોને હંમેશા હેલ્મેટ પહેરવા અને તેમના પ્રિયજનોની સુરક્ષા માટે જાગૃત રહેવા અપીલ કરે છે.
સોલેક્સ એનર્જીનો આ પ્રયાસ, કંપનીની પર્યાવરણ જાળવણી સાથે લાંબાગાળાના ટકાઉ વિકાસ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી(CSR) અને કર્મચારીઓના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.