હજીરા, સુરત : હજીરાના કાંઠા વિસ્તારના યુવાનો માટે અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત અઢી મહિના સુધી ચાલેલી અદાણી ગ્રામીણ ક્રિકેટ ટૂર્નામેન્ટની છઠ્ઠી સિઝનમાં જૂનાગામની શિવાલય ઇલેવન ચેમ્પિયન બની છે. ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની ૧૨૧ ટીમના ૧૮૧૫થી વધુ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની મેચ ભટલાઈ, હજીરા, વાંસવા તથા મોટાવાડા (મોરા)ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાડાઈ હતી. ફાઇનલ મેચ શિવાલય ઇલેવન જૂનાગામ અને લવાછા ઇલેવન વચ્ચે રમાઈ હતી.
ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં શિવાલય ઇલેવનએ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૧૬૧ રન બનાવ્યા હતા. લવાછા ઇલેવન ૧૬૨ના લક્ષ્યાંકનો પીછો કરતાં માત્ર ૧૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શિવાલય ઇલેવને ૪૭ રનથી ફાઇનલ અને અદાણી ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ફાઇનલ મેચમાં શિવાલય ઇલેવનના પ્રિન્સ પટેલ બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચનું ઈનામ જીત્યા હતા. જ્યારે દામકાની ટાંકી સ્ટાર ઇલેવનના કપિલ પટેલ મેન ઓફ ધ સીરિઝ બન્યા હતા.
બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરિઝ બનેલા ખેલાડીઓને રોકડ ઈનામ અને ટ્રોફી એનાયત થઈ હતી. લવાછા ઇલેવનના કેપ્ટન ભાવેશ પટેલને રનર્સઅપ ટ્રોફી લીધી હતી જ્યારે શિવાયલ ઇલેવનના કેપ્ટન રાહુલ પટેલે ટીમ સાથે વિજેતા ટ્રોફી અને ઈનામ સ્વીકાર્યું હતું.
સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન અદાણી ફાઉન્ડેશન હજીરાની ટીમએ ભટલાઇના નરેશભાઈ પટેલ, જૂનાગામના રમેશભાઈ પટેલ, ભગુભાઈ પટેલ, મોરાગામના ભરતભાઇ પટેલ તેમજ અનેક યુવાનોના સક્રિય સહયોગથી કરી હતી. એખલાશ અને ખેલદિલીભર્યા માહોલમાં અઢી મહિના ચાલેલી આ ટુર્નામેન્ટમાં દરવર્ષે ટીમની સંખ્યા વધી રહી છે. ચોર્યાસી અને ઓલપાડના કાંઠા વિસ્તારના યુવા ક્રિકેટરોમાં આ ટુર્નામેન્ટ બહુ લોકપ્રિય થઈ છે.