ધોરણ પારડીના શંખેશ્વર મહાદેવ ગાય પગલા મંદિરના ગર્ભ ગૃહમાં કૃષ્ણ અને બલરામજી દ્વારા સ્થાપિત શિવલીંગ
અંદાજિત પાંચ હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ ગાય પગલા મંદિર સાથે જોડાયેલો છે
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામથી વહેતી પવિત્ર સૂર્ય પૂત્રી તાપી નદીના કિનારે પ્રસ્થાપિત શંખેશ્વર મહાદેવ ગાય પગલા મંદિર અનોખો પૌરાણિક ઈતિહાસ ધરાવે છે. ગાય પગલા તીર્થસ્થાને અતિ પ્રાચીન શંખેશ્વર મહાદેવ મંદિર, દત્ત ભગવાન મંદિર, બાળ કૃષ્ણ મંદિર, હિમાલયેશ્વર મંદીર, બળીયા કાકાની ડેરી, બાલકૃષ્ણ મંદીર પાસે ગાયના પગલાં તેમજ ગૌ શાળા આવી છે.
આજથી અંદાજિત પાંચ હજાર વર્ષ પહેલાંનો રોચક ઈતિહાસ ગાય પગલા મંદિર સાથે જોડાયેલો છે.તાપી પુરાણના ૪૬મા અધ્યાયમાં તાપી તટે ગાયપગલા મંદિરનો ઉલ્લેખ છે. ગામના પ્રવેશ દ્વારમાં સ્થાપિત અશોક સ્તંભ સર્કલ ગામની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અહીં કૃષ્ણ અને બલરામ દ્વારા સ્થાપિત શિવમંદિર એટલે આજનું શંખેશ્વર મહાદેવ ગાય પગલા મંદિર જગ વિખ્યાત છે.
ઉલ્લેખ મુજબ કૃષ્ણ અને બલરામજી વિશેની ગાથા મુજબ કાળી નાગને નાથવા કૃષ્ણ ભગવાને તેની સાથે યુદ્ધ કર્યું હતું.યુદ્ધ બાદ થાકેલા કૃષ્ણ ભગવાન આરામ કરતા હતા. ત્યારે તેમનો પંચજન્ય શંખ સાચવવા બલરામને આપ્યો હતો, શંખનાદથી વન વગડે ગયેલી ગાયો પરત ફરતી એટલે બલરામજીએ સાંજે શંખનાદ કર્યો હતો. પહેલો અવાજ બરાબર નીકળ્યો હતો, પરંતુ બીજા શંખનાદનો અવાજ બદલાતા વ્યથિત દસ હજાર જેટલી ગાયો યમુના નદીના પ્રવાહમાં તણાવા લાગી આથી બલરામજી પાસે રહેલો હળ તેમજ પંચજન્ય શંખ શ્રાપિત થતા બંને કાળા પડી ગયા. યમુના નદીમાં વહી ગયેલી ગાયોનો ગૌહત્યા દોષ લાગ્યો હતો. ગૌહત્યા દોષ નિવારણ માટે ગર્ગ ઋષિ પાસે જતા તેમને તાપી તટે વૈશાખ સુદ અગિયારસથી વૈશાખ સુદ પૂનમ સુધી એમ પાંચ દિવસનું અખંડ તપ કરવા કહ્યું.
શાસ્ત્રમાં ઉલ્લેખ મુજબ ગર્ગ ઋષિના આદેશ મુજબ ભગવાનશ્રી કૃષ્ણ અને બલરામજીએ કિશોર અવસ્થામાં પાંચ દિવસ સુધી આ સ્થળે ઉપવાસ, તાપીસ્નાન, જાગરણ આદિ તપસ્યા કરી હતી. કૃષ્ણ અને બલરામજીએ કરેલા પાંચ દિવસના તપ બાદ ગાયો સજીવન થઈ અને પંચજન્ય શંખ તેમજ હળ શ્રાપમાંથી દોષ મુક્ત થયા હતા. જે ગાયો જીવીત થઈ હતી તે ગાયોના પગલાં હાલ પણ આ સ્થળ પર જોવા મળે છે. કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલા આ અતિ પ્રાચીન ગાય પગલાં તીર્થ સ્થાન પર શ્રદ્ધાળુઓ ભરપૂર આસ્થા ધરાવે છે. કૃષ્ણ અને બલરામજીએ કરેલા તપ દરમ્યાન સ્થાપિત બંને શિવલીંગની તપોભૂમિ એટલે શંખેશ્વર મહાદેવનું મંદિર જે ગાય પગલા મંદિરના નામે પ્રચલિત છે.
શંખેશ્વર મહાદેવ જીર્ણોધ્ધાર પ્રકલ્પનું પ્રસ્તાવિત માનચિત્ર, શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારા પ્રતિષ્ઠિત જાગૃત શિવલીંગ પર નૂતન મંદિર નિર્માણ, નૂતન શિવપ્રાસાદમાં સ્થિત કિશોરમૂર્તિ તપસ્વી શ્રીકૃષ્ણ-બલરામજી, સૂર્ય પૂત્રી તાપી અને ગૌમાતાના દેવાલયો, વૈદિક યજ્ઞશાળા, સૂર્ય પૂત્રી તાપીમાતાના પૂજન-આરતી અર્થે તાપીઘાટનું નિર્માણ, તટબંધી અને દિવાલનું નિર્માણ, તીર્થ સ્નાન માટે આધુનિક સગવડો યુકત ગૌરીકુંડ, ઔષધિવન, ઉત્સવકુંજ (પાર્ટી પ્લોટ), બાળ નગરી, ઉપાહાર ગૃહ નિર્માણ પામશે.
ગાય પગલા તીર્થસ્થાને અતિ પ્રાચીન શંખેશ્વર મહાદેવ મંદિર, દત્ત ભગવાન મંદિર, બાળ કૃષ્ણ મંદિર, હિમાલયેશ્વર મંદીર, બળીયા કાકાની ડેરી, બાલકૃષ્ણ મંદીર પાસે ગાયના પગલાં, તેમજ ગૌ શાળા આવેલી છે. કામરેજના ગાય પગલાં તીર્થસ્થાને શ્રદ્ધાળુઓ અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને એટલે જ શ્રદ્ધાળુઓ આ તીર્થસ્થાને મોટી સંખ્યામાં ઉમટી પડે છે. હાલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અહીં મોટું મંદિર બનવા જઈ રહ્યુ છે.