
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ અશોક જીરાવાલા અને પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા અન્ય ઔદ્યોગિક સંગઠનો દ્વારા ગતરોજ નવી દિલ્હી ખાતે ભારતના હેવી ઇન્ડસ્ટ્રીઝના મંત્રી એચ.ડી. કુમારસ્વામી તથા જોઇન્ટ સેક્રેટરી શ્રી વિજય મિત્તલને ટેક્ષ્ટાઇલ મશીનરી પરથી QCOને હટાવવા માટે રજૂઆત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત ફિકકી, એસોચેમ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા અરવિંદ મીલના પ્રતિનિધિઓએ ટેક્ષ્ટાઇલ મશીનરી પરથી QCOને હટાવવા માટે રજૂઆત કરી હતી.
SGCCIના પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી કે, હાલ ટેક્ષ્ટાઇલ માર્કેટનું સાઇઝ ૧૬પ બિલિયન ડોલર છે, જેને વર્ષ ર૦૩૦ સુધીમાં ૩પ૦ બિલિયન ડોલર લઇ જવાનું હશે તો ૪ લાખ પ૦ હજાર હાઇ સ્પીડ વિવિંગ મશીનની જરૂર પડશે. એના માટે આ મશીનરીમાં ૧પ બિલિયન ડોલરના રોકાણની આવશ્યકતા છે, આથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે ટેક્ષ્ટાઇલ મશીનરી ભારતમાં બનતી નથી તેની યાદી ભારતના હેવી ઇન્ડસ્ટ્રીઝના મંત્રી એચ.ડી. કુમારસ્વામી તથા જોઇન્ટ સેક્રેટરી વિજય મિત્તલને આપવામાં આવી હતી. ચેમ્બરે મંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે, યુઝર ઇન્ડસ્ટ્રીને કન્સલ્ટેશનમાં રાખીને ટેક્ષ્ટાઇલ મશીનરી પર QCO સંદર્ભે ફેર વિચારણા કરવાની જરૂર છે.
ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ અશોક જીરાવાલાએ રજૂઆત કરી હતી કે, એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીમાં એક યુનિટ પાસે ચારથી પાંચ એમ્બ્રોઇડરી મશીનો હોય છે. બે ત્રણ વર્ષે એમ્બ્રોઇડરીમાં નવી ટેકનોલોજી આવી જાય છે, જેથી કરીને જુની મશીનરી કાઢીને નવી નાંખવી પડે છે, પરંતુ આ મશીનરી પણ ભારતમાં બનતી નથી, એના માટે પણ આયાત પર નિર્ભર રહેવું પડે છે, આથી એમ્બ્રોઇડરી મશીનરી પરથી પણ QCOને હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
GCCIના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરાઇ હતી કે, ઉદ્યોગ સાહસિકોએ હાલમાં લેટર ઓફ ક્રેડીટ ખોલાવીને વિવિંગ અને એમ્બ્રોઇડરી મશીનો બુક કરાવ્યા છે. આ મશીનની ડિલીવરી જો તા. ર૮ ઓગષ્ટ ર૦રપ પછી આવે તો ઉદ્યોગ સાહસિકોના પૈસા બ્લોક થઇ જાય અને મશીનની ડિલીવરી પણ પોર્ટ પર કલીયર નહીં થાય. એક તરફ ઉદ્યોગ સાહસિકોના પૈસા બ્લોક થઇ જાય છે. બીજી તરફ, બેંક નવા વિવિંગ પ્રોજેકટને ફાયનાન્સ આપતી નથી. કારણ કે, આધુનિક વિવિંગ મશીનરી પણ ઇમ્પોર્ટ કરવી પડે છે. જેથી કરીને યુઝર ઇન્ડસ્ટ્રી સાથે ટેક્ષ્ટાઇલ મશીનરી પર QCO સંદર્ભે ફરીથી ચર્ચા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ભારતના હેવી ઇન્ડસ્ટ્રીઝના મંત્રી તથા જોઇન્ટ સેક્રેટરીને કરાયેલી રજૂઆત સંદર્ભે તેમના તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલય દ્વારા યુઝર ઇન્ડસ્ટ્રીને સાંભળવામાં આવશે અને ત્યારબાદ આ મામલે આગળનો નિર્ણય લેવામાં આવશે.