ઓખા ખાતે યોજાયેલ સી સ્કાઉટ દરિયાઈ શિબિરમાં અર્ચના વિદ્યા નિકેતનના સ્કાઉટ્સે લીધો ભાગ

સુરત જિલ્લાના અર્ચના વિદ્યા નિકેતનના સ્કાઉટ માસ્ટર વાનખેડે ભાવેશ શરદભાઈના માર્ગદર્શન હેઠળ શાળાના ૧૦ સ્કાઉટ વિદ્યાર્થીઓએ ઓખા ખાતે આયોજિત પાંચ દિવસીય સી સ્કાઉટ દરિયાઈ શિબિરમાં ભાગ લીધો હતો. શિબિરનું ઉદ્ઘાટન જાડેજા સાહેબ, લેફ્ટિનેન્ટ વિનોદ કુમાર તથા ઓખા નગરપાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ)ના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કોસ્ટ ગાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ‘અરિંજય’ નામના જહાજનું ભ્રમણ પણ કરાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નૌકાદળ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં ઓવરક્રાફ્ટ, LFG, બંદૂક, રાઇફલ, રડાર સિસ્ટમ વગેરે અંગે પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. આ શિબિર દ્વારા વિદ્યાર્થીઓને નૌકાદળ કેવી રીતે કાર્ય કરે છે, તેમની જવાબદારીઓ શું છે અને રાષ્ટ્રસેવામાં તેમનું શું યોગદાન છે તે સમજવાની ઉત્તમ તક મળી હતી. આ સી સ્કાઉટ દરિયાઈ શિબિર વિદ્યાર્થીઓમાં શિસ્ત, જ્ઞાન તથા રાષ્ટ્રભક્તિની ભાવનાને વિકસિત કરનાર સાબિત થયો હતો.



