‘ઓપરેશન સિંદૂર’ બાદની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્રની કામગીરી અને સતર્કતાની સમીક્ષા
અફવાથી દૂર રહેવા અને સોશ્યલ મીડિયામાં લોકોને ગેરમાર્ગે દોરે તેવી પોસ્ટ ન કરીએ: પ્રભારી સચિવ રાજીવ ટોપનો

સુરત: ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને મુખ્ય રાજ્ય વેરા કમિશનર-અમદાવાદ તેમજ સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી જિલ્લા વહીવટીતંત્રની કામગીરી અને સતર્કતાની સમીક્ષા કરી હતી.
પ્રભારી સચિવએ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ છેવાડાના નાગરિક સુધી વહીવટીતંત્ર દ્વારા મજબૂત સંપર્ક સ્થાપિત કરવા, આમ જનતાને પ્રશાસન સાથે સાંકળવા જણાવ્યું હતું, જેથી આપત્તિની સ્થિતિમાં સાચી અને સચોટ જાણકારી લોકોને આપી શકાય. તેમજ જિલ્લાના નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા તેમજ લોકોને ગેરમાર્ગે દોરે તેવી પોસ્ટ સોશ્યલ મીડિયામાં ન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો અને લોકોને જાગૃત્ત અને સુરક્ષિત રાખવા તેમજ કટોકટીની પરિસ્થિતિમાં સુસજ્જ રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સંભવિત આપત્તિની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષા, ફાયર, મેડિકલ સહિતની સેવા ત્વરિત મળી રહે તે માટે સાધનો અને વ્યવસ્થાની ચકાસણી કરવા સંબંધિત કચેરીઓના વડાઓને સૂચના આપી હતી. કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે સાયરનોથી લોકોને એલર્ટ કરવા તેમજ ડરનો માહોલ ન સર્જાય એ માટે લોકસંપર્ક જાળવી રાખવા પણ જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ શહેર-જિલ્લાની સરકારી, ખાનગી હોસ્પિટલો, ૧૦૮ એમ્બ્યુલન્સ, સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોની તાલીમ, ફાયર, પોલીસ, ડિઝાસ્ટર, આરોગ્ય અને મહેસૂલ વિભાગની સજ્જતા, નિયત કરાયેલા સ્થળોએ સાયરનની સુવિધા, બ્લેકઆઉટની જરૂરિયાત, બ્લડ, ઈમરજન્સી સેવા, મેડિકલ-એમ્બ્યુલન્સની પૂરતી સુવિધા અંગે સચિવને માહિતગાર કર્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસર, DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરી, સુડાના CEO કે.એસ.વસાવા, મનપાના ડે.કમિશનર મુકેશ ગુરવ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી સહિત પ્રાંત અધિકારીઓ, પોલીસ, ફાયર, મનપા, ડિઝાસ્ટર, આરોગ્ય, શિક્ષણ, NCCના અધિકારીઓ, સિવિલ ડિફેન્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.