ઉનાળામાં વરસાદ જેવું વાતાવરણ, કેનાલના પાણીના કારણે રસ્તા પર પાણી ભરાયા

સુરત : ઉનાળાની વચ્ચે સુરતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. પુણાથી યોગી ચોક સુધીના બીઆરટીએસ રૂટ પર કેનાલનું પાણી વહી રહ્યું છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ કેનાલના નીચેના વિસ્તારમાં પાણીની આવક વધી રહી છે. પુરતા પાણીના અભાવે અનેક સોસાયટીના લોકોને પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. જે રીતે ભારે વરસાદને કારણે પાણી ભરાય છે તેવી જ રીતે ઠેર ઠેર પાણી ભરાયા છે.
પુણાથી યોગી ચોક બીઆરટીએસ રૂટ પર પાણી ભરાવાના કારણે લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ મહાનગર પાલિકા પાણી બચાવવા માટે અપીલ કરી રહી છે. કેનાલના પાણી રસ્તા પર વહેતા જોવા મળે છે. ઉનાળાની શરૂઆતમાં મેટ્રોની કામગીરીને કારણે પાઈપલાઈન પર અસર થવાને કારણે ઘણી જગ્યાએ પાણી કાપ છે. નહેરના પાણીનો ઉપયોગ પીવાથી લઈને ઔદ્યોગિક એકમો સહિત ખેતી અને સિંચાઈ માટે થાય છે. પાણીના બગાડને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.