
સુરત – અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સુરત સીટી પોલીસ ઝોન-5 ના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવતાભર્યા અભિયાનમાં 2001 યુનિટ રક્ત એકત્રિત કરીને સમાજસેવાની એક ઊંચી મીસાલ રજુ કરવામાં આવી.
થેલેસેમિયા એવા રોગ તરીકે ઓળખાય છે જેમાં દર્દીના શરીરમાં હેમોગ્લોબિન પૂરતું નહીં બનતું હોવાથી તેમને નિયમિત લોહીની જરૂર રહે છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાના ઉપ પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયાની આગેવાની હેઠળ અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત (IPS)ના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાઈ.
અધિક કમિશનર શ્રી રાકેશ બારોટ (IPS)ના નેતૃત્વ હેઠળ ઝોન-5ના રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, અમરોલી અને ઉત્તરાણ પોલીસ સ્ટેશનોના PIની ટીમો, શાળાના 9000 વિદ્યાર્થીઓના વાલીઓ અને જાહેર જનતા સહિત હજારો લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું.
કેમ્પમાં રક્તદાતા વાલીઓને ટ્રાફિક સલામતી માટે હેલ્મેટ અને સર્ટિફિકેટ આપી “લોહી અકસ્માતમાં નહીં, જીવ બચાવવા માટે આપવું” એવું સંદેશ આપતા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સાથે ટ્રાફિક નિયમોના પાલન અંગે પણ જાગૃતિ ફેલાવાઈ.
આ અભિયાનમાં શહેરની 15 થી વધુ જાણીતી બ્લડબેન્કો જોડાઈ હતી, જેમણે 3000 થી 3500 યુનિટ રક્ત એકત્ર કરવાની વ્યવસ્થા કરી હતી.
શાળાના કેમ્પસ ડાયરેક્ટર, આચાર્યગણ અને 600થી વધુ શિક્ષકોએ આ શુભકાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમણે વાલીઓ અને રક્તદાતાઓને રક્તદાનના મહત્વ વિશે સમજાવ્યું અને થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવી.
શાળાપરિવાર તરફથી તમામ વાલીઓ, જાહેર જનતા, બ્લડબેન્ક અને પોલીસ વિભાગનો આભાર માનવામાં આવ્યો અને આવનારા સમયમાં પણ આવા સામાજિક પ્રયાસો ચાલુ રાખવાના સંકલ્પ સાથે કાર્યક્રમનો સમાપન થયો.